ગુજરાતનો કલ્પસર પ્રોજેક્ટ : ભારત માટે વિકાસ અને જળસંચયનું ભવિષ્ય બનશે, સૌરાષ્ટ્રની જમીનોના ભાવ ભડકે બળશે
19-May-2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન ગુજરાતની એક સમયની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજના માટે નેધરલેન્ડ સરકાર સાથે લેટર ઓફ ઈન્ટેન્ટ ઉપર સહી-સિક્કા થતાં, છેલ્લા કેટલાક સમયથી સુશુપ્ત અવસ્થામાં પડેલા આ પ્રોજેક્ટમાં થોડો સળવળાટ થયો છે.
ડિટેઇલમાં આખો રિપોર્ટ સમજો...
ભારત સરકારના અર્થ સાયન્સ મંત્રાલય હેઠળના નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ-એનસીસીઆરના એજન્સીપણા નીચે રાજ્યના આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ-ડીપીઆર ઑગસ્ટ-૨૦૨૪માં સોંપાયો છે અને એ મુજબ વર્ષ ૨૦૨૩-૨૪ના ભાવની ગણતરીએ યોજનાનો ખર્ચ રૂ.૧,૩૨,૫૦૦ કરોડ અંદાજાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ખાતે ૪૨ તાલુકાના ૯,૯૯,૬૧૧ હેક્ટરમાં કેનાલ નેટવર્કિંગ તથા પાઈપલાઈનો બિછાવવાનો ખર્ચ ગણાયો નથી. ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીપીઆર સબમિટ થયા બાદ એક્સપર્ટ એડવાઈઝરી ગૃપ દ્વારા અને કલ્પસર વિભાગ દ્વારા કેટલાક વધારાની બાબતો અંગે એનસીસીઆર પાસે સ્પષ્ટતા મગાઈ છે, અલબત્ત, હજી પણ કેટલાક કોમ્પલાયન્સીસ બાકી હોવાનું એક્સપર્ટ એડવાઈઝરી ગૃપના અધ્યક્ષ નવલાવાલા જણાવે છે અને આ રિપોર્ટ્સ આવ્યા બાદ જ સમગ્ર યોજનાની સક્ષમતા અને ટકાઉપણા વિશે કઈ કહી શકાય તેમ તેઓ ભારપૂર્વક કહી ઉમેરે છે કે, બાકી રિપોર્ટ હવે એકાદ મહિનામાં મળવાની ગણતરી છે. સદર પ્રોજેક્ટમાં યોજનાની ડિઝાઈન અંગેનો સ્ટડી આઈઆઈટી-ચેન્નાઈ-દિલ્હી, પાણી અંગેનો સ્ટડી નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હાઈડ્રોલોજી-રૂરક્કી તેમ જ ગેપ એનાલિસિસ ઈંગ્લેન્ડની સંસ્થા-અરૂપ દ્વારા થયો છે. આ સૂચિત યોજનાનો વર્ષ ૨૦૨૩-૨૪ના ભાવની સ્થિતિએ રૂ.૧.૩૩ લાખ કરોડનો તોતિંગ ખર્ચ જોઈને જ અત્યાર સુધી આ પ્રોજેક્ટ ડબામાં પડેલો છે અને કલ્પસર વિભાગ તરફ સરકાર બહુ ઓછું ધ્યાન આપી રહી છે. જોકે આ પ્રોજેક્ટ કરવો હોય તો ફાઈનાન્સ ક્યાંથી મેળવાશે એ હજીયે સૌથી મોટો શિરદર્દપ્રશ્ન છે. તદુપરાંત યોજનાથી પર્યાવરણીય અસરો અંગેનો રાક્ષસી પ્રશ્ન તો હજી મોં ફાડીને ઉભો જ છે.
▸ભાવનગર અને ભરૂચ વચ્ચે ૨૬.૭૦ કિ.મી. લાંબો, ૪૨૧ મીટર ઊંચો અને દરવાજા સાથે ૪૯ મીટર ઊંચો ડેમ આંતર ભરતી ક્ષેત્રમાં ૩૩.૪૩ કિ.મી. લંબાઈમાં પાળા કલ્પસર જળાશયમાં સાબરમતી, મહી, ઢાઢર અને ડાઈવર્ઝન કેનાલ મારફતે નર્મદાનું તેમ જ સૌરાષ્ટ્રની ૭ નદીઓ લીંબડી-ભોગાવો, વઢવાણ-ભોગવો, સુખભાદર, ઉતાવળી, કેરી, ઘેલો અને કાળુભાર નદીઓનું પાણી વરસાદની સંભાવનાએ ૩૭૭૦ મિલિયન ઘનમીટર તથા ૭૫ ટકા વરસાદની સંભાવનાએ ૭૮૦૭ મિલિયન ઘનમીટર પીવાલાયક મીઠું એકઠું થશે જળાશયનો વ્યાપ-૨૦૦૦ કિલોમીટર ૫૦ ટકા પાણી એકત્ર થશે યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૦ લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે ૪૩૭૫ મિલિયન ઘનમીટર, પીવા માટે ૧૦૦૦ મિલિયન ઘનમીટર અને ઔદ્યોગિક વપરાશ માટે ૪૫૦ મિલિયન ઘનમીટર પાણી મળવાનો અંદાજ
વધારાના ચાર્જથી અને લઘુત્તમ સ્ટાફથી ખોડંગાતું કલ્પસરનું તંત્ર વર્ષ ૨૦૨૪માં સમગ્ર પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર થયા બાદ અને પૂર્વ કેન્દ્રીય જળસંપત્તિ સચિવ બાબુભાઇ નવલાવાલાના અધ્યક્ષસ્થાને કુલ ૬ સભ્યો ધરાવતી એક્સપર્ટ એડવાઈઝરી કમિટીના રિપોર્ટ બાદ કલ્પસર વિભાગ પાસે બિલકુલ કામ રહ્યું નથી અને રાજ્ય સરકાર આ યોજનામાં આગળ વધવા અંગે અનિર્ણાયક રહી હતી, જેને કારણે કલ્પસર વિભાગ અત્યારે હંગામી ચાર્જ આપીને હંકારાઈ રહ્યો છે તથા વિભાગમાં ખૂબ જ ઓછો સ્ટાફ છે. જે સરકારની નિયત દર્શાવે છે.
કુલ રૂ.૨૯૬ કરોડ ખર્ચાયા કલ્પસર યોજના માટે અત્યાર સુધી કુલ ૫૧ જેટલા વિવિધ રિપોર્ટ્સ તૈયાર થયા છે, જેમાં અત્યાર સુધી કુલ રૂ.૨૯૬ કરોડ ખર્ચાઈ ચુક્યાં છે, આમાં ડીપીઆર બનાવવા પાછળ થયેલો રૂ.૮૩ કરોડનો ખર્ચ સામેલ છે. જોકે, ૧૯૯૫ થી ૨૦૦૧ સુધી આ યોજનાના નામે કરોડો રૂપિયા ખર્ચાયા છે, તેનો કુલ ખર્ચમાં સમાવેશ થયો નથી.
વિવિધ વિષયો ઉપરના અભ્યાસો (૧) દરિયાના તળિયાનો નકશો (૨) દરિયાઈ મોજાંની ઊંચાઈ (૩) સંભવિત સુનામી (૪) સંભવિત સામુદ્રિક તોફાન (૫) દરિયાઈ ઉષ્ણતામાન (૬) નદીઓમાંથી ખેંચાઈને આવનારો કાંપ (૭) નદીઓનું પાણી કેટલું આવશે, પાણીનો કુલ જથ્થો કેટલો થશે, કુલ પરનું પાણી કેટલું આવી શકે (૮) આંતર ભરતી ક્ષેત્ર (૯) સંભવિત ધરતીકંપ (૧૦) માટીનો પ્રકાર અને તેની મજબૂતાઈ (૧૧) બાંધકામ પ્રદ્ધતિ
દરિયાને રોકીને વિકાસનું નવું અધ્યાય લખનાર Netherlands નો વિશ્વપ્રસિદ્ધ ‘અફ્સલાઉટડાઈક’ (Afsluitdijk) ડેમ આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. લગભગ 100 વર્ષ પહેલાં સમુદ્ર સામે સંઘર્ષ કરતા નેધરલેન્ડે 32 કિલોમીટર લાંબો વિશાળ ડેમ બનાવી પૂર અને દરિયાઈ ખતરાને કાબૂમાં લીધો હતો. હવે ગુજરાતમાં પ્રસ્તાવિત ‘કલ્પસર’ યોજના સાથે તેની સરખામણી ફરી ચર્ચામાં આવી રહી છે.
અફ્સલાઉટડાઈક ડેમનું નિર્માણ 1927થી 1932 દરમિયાન થયું હતું. આ ડેમે ઉત્તર સમુદ્રના ‘ઝુઇડરઝી’ વિસ્તારને બંધ કરીને તેને વિશાળ મીઠાં પાણીના સરોવર ‘આઇસેલમિયર’માં ફેરવી દીધો હતો. પરિણામે નેધરલેન્ડને પૂરથી રક્ષણ મળ્યું, ખેતી માટે નવી જમીન મળી અને પાણીનું સંચાલન વધુ મજબૂત બન્યું.
આ જ રીતે ગુજરાતમાં વર્ષોથી ચર્ચાતી ‘કલ્પસર’ યોજના પણ દરિયાના પાણીનો ઉપયોગ કરીને રાજ્યના પાણી સંકટને દૂર કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ માનવામાં આવે છે. Kalpasar Project અંતર્ગત ખંભાતના અખાત પર વિશાળ ડેમ બાંધી નર્મદા સહિતની નદીઓના વહેણને સંગ્રહિત કરીને મીઠાં પાણીનું વિશાળ જળાશય બનાવવાનો વિચાર છે.
કલ્પસર યોજના સાકાર થાય તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા પાણી અછતગ્રસ્ત વિસ્તારોને મોટી રાહત મળી શકે છે. સાથે જ ડેમ ઉપર માર્ગ અને રેલવે કનેક્ટિવિટી ઉભી થવાથી મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
વિશેષજ્ઞોના મત મુજબ નેધરલેન્ડના અફ્સલાઉટડાઈક ડેમે સાબિત કર્યું છે કે મજબૂત આયોજન, ટેકનિકલ કુશળતા અને લાંબા ગાળાની દુરંદેશી હોય તો દરિયા સામે પણ જીત મેળવી શકાય છે. ગુજરાતનું કલ્પસર પ્રોજેક્ટ પણ આવનારા સમયમાં દેશના સૌથી મોટા હાઇડ્રોલિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સ્થાન મેળવી શકે છે.
જોકે કલ્પસર યોજના સામે પર્યાવરણ, દરિયાઈ પ્રવાહ, જૈવવૈવિધ્ય અને ખર્ચ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા ચાલુ છે, છતાં પાણી અને વિકાસની વધતી જરૂરિયાત વચ્ચે આ પ્રોજેક્ટને લઈને લોકોમાં વિશેષ રસ જોવા મળી રહ્યો છે.
એક તરફ નેધરલેન્ડનો અફ્સલાઉટડાઈક ડેમ વિશ્વને બતાવે છે કે સમુદ્રને કાબૂમાં લેવું અશક્ય નથી, ત્યારે બીજી તરફ ગુજરાતનું કલ્પસર પ્રોજેક્ટ ભારત માટે વિકાસ અને જળસંચયનું ભવિષ્ય બની શકે છે.
યુરોપના નાના પરંતુ અત્યંત વિકાસશીલ દેશ Netherlands એ દરિયાને કાબૂમાં રાખવા માટે બનાવેલો ‘અફ્સલાઉટડાઈક’ (Afsluitdijk) ડેમ આજે પણ વિશ્વના સૌથી મહાન એન્જિનિયરિંગ ચમત્કારોમાં ગણાય છે. સમુદ્રની સતત વધતી અસર અને પૂરથી બચવા માટે નેધરલેન્ડે લગભગ એક સદી પહેલાં હાથ ધરેલો આ પ્રોજેક્ટ માનવ બુદ્ધિ અને ટેકનિકલ કુશળતાનું અનોખું ઉદાહરણ બની ગયો છે.
આ વિશાળ ડેમની લંબાઈ લગભગ 32 કિલોમીટર છે અને તે ઉત્તર સમુદ્રના ભાગ એવા ‘ઝુઇડરઝી’ને બંધ કરીને તેને વિશાળ મીઠાં પાણીના સરોવર ‘આઇસેલમિયર’માં પરિવર્તિત કરે છે. ડેમનું બાંધકામ વર્ષ 1927માં શરૂ થયું હતું અને 1932માં પૂર્ણ થયું હતું.
નેધરલેન્ડનો મોટો ભાગ સમુદ્ર સપાટીથી નીચે આવેલો હોવાથી દેશને વારંવાર પૂરનો ખતરો રહેતો હતો. ખાસ કરીને ઉત્તર સમુદ્રમાંથી આવતા તોફાની મોજાં અને વાવાઝોડાંને કારણે લોકોના જીવન અને ખેતીને ભારે નુકસાન થતું હતું. આ પડકારનો કાયમી ઉકેલ લાવવા માટે ડચ ઇજનેરોએ અફ્સલાઉટડાઈક ડેમની રચના કરી હતી.
આ ડેમના નિર્માણ પછી અનેક મહત્વપૂર્ણ ફેરફારો થયા. ખારા પાણીવાળો વિસ્તાર ધીમે ધીમે મીઠાં પાણીના વિશાળ સરોવરમાં ફેરવાયો, જેના કારણે પાણીનું સંચાલન સરળ બન્યું અને ખેતી માટે નવી જમીન પણ વિકસાવવામાં આવી. આ ઉપરાંત દરિયાઈ પૂરની અસર પણ નોંધપાત્ર રીતે ઘટી ગઈ.
અફ્સલાઉટડાઈક માત્ર સુરક્ષા માટેનો ડેમ જ નથી, પરંતુ તે નેધરલેન્ડના પરિવહન માટે પણ મહત્વપૂર્ણ માર્ગ છે. ડેમ ઉપરથી હાઈવે પસાર થાય છે, જે દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોને સીધા જોડે છે. દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે.
વિશ્વભરના ઇજનેરો અને પર્યાવરણ નિષ્ણાતો આજે પણ આ પ્રોજેક્ટનો અભ્યાસ કરે છે. આધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ ન હોવા છતાં લગભગ 100 વર્ષ પહેલાં બનાવાયેલો આ ડેમ આજે પણ મજબૂતીથી કાર્યરત છે, જે નેધરલેન્ડની દુરંદેશી યોજના અને ઇજનેરી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
હાલમાં પણ નેધરલેન્ડ સરકાર આ ડેમને વધુ મજબૂત બનાવવા અને આબોહવા પરિવર્તનથી ઊભા થતા નવા પડકારોનો સામનો કરવા માટે તેમાં આધુનિક સુધારાઓ કરી રહી છે.







19-May-2026