ડિજિટલ વસ્તી ગણતરી 2026-27નો પ્રારંભ, ઘર બેઠા આજે જ તમારાથી શરુઆત કરો

19-May-2026

ગુજરાતમાં વસ્તી ગણતરી 2026-27ની પ્રક્રિયાને ડિજિટલ સ્વરૂપ આપતા રાજ્યમાં પ્રથમ વખત ઓનલાઇન સેલ્ફ એન્યુમેરેશનની શરૂઆત કરવામાં આવી છે. રવિવારથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં નાગરિકો હવે પોતાના ઘર અને પરિવારની વિગતો ઘરે બેઠા ઓનલાઈન ભરી શકશે.

ઓનલાઈન ફોર્મ ભરો, લાંબી પૂછપરછમાંથી રાહત મેળવો

સરકાર દ્વારા 31 મે સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જ્યારે 1 જૂનથી સરકારી કર્મચારીઓ દ્વારા ઓફલાઈન વસતી ગણતરી હાથ ધરાશે. મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયામાં કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે અને નાગરિકોની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.ગુજરાતમાં ઓનલાઇન વસ્તી ગણતરી 2026-27ની પ્રક્રિયા રવિવારથી શરૂ થઈ ગઈ છે. નાગરિકો પોતાના ઘર, પરિવારની વિગતો ઓનલાઇન ભરી શકે તે માટે સેલ્ફ એન્યુમેરેશન (સ્વ ગણતરી)ની સુવિધા અપાઈ છે. 1 જૂનથી ઓફલાઈન વસ્તી ગણતરી શરૂ થશે, તેમાં લોકોએ ઘરે આવતા સરકારી કર્મચારીને માહિતી આપવાની રહેશે. સ્વ-ગણતરી કેવી રીતે કરવી? se.census.gov.in પર જાઓ. મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લૉગિન કરો. ત્યાર પછી નકશા પર ઘરનું લોકેશન ઓળખી, પરિવારની વિગતો ભરો, માહિતી સબમિટ કરો. ત્યારબાદ SE ID મળશે. વસતી ગણતરીકાર ફિલ્ડ વિઝિટ પર આવે ત્યારે તેમને આઇડી આપો. ત્યાર પછી તમારા ડેટાની પુષ્ટિ થશે અને વસ્તી ગણતરીમાં સમાવેશ થશે. પરિવારના વડા અથવા કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ પરિવારના બધા સભ્યોની માહિતી ભરી શકશે. તેઓ સિંગલ હાઉસહોલ્ડ લૉગિનમાં આ માહિતી ભરી શકશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર શેનું બનેલું છે? કેવી સ્થિતિમાં છે? પીવાના પાણી, શૌચાલય, વીજળી, ઈન્ટરનેટ વગેરે વિશે 33 માહિતી ભરવાની રહેશે. કોઇ દસ્તાવેજ આપવાના નથી, માહિતી ગુપ્ત રહેશે તમારે કોઈ દસ્તાવેજ આપવાના નથી. તમે જે માહિતી આપી હશે તેના આધારે સરકારી કર્મચારી માહિતી રેકોર્ડ કરશે. તેના કોઈ દસ્તાવેજી પુરાવા આપવાના નથી. સેન્સસ ઍક્ટ, 1948 હેઠળ, તમારી અંગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને કોઈને શેર નહીં કરાય. માત્ર સરેરાશ ડેટા અથવા સમરીને પ્રકાશિત કરવામાં આવશે. નોંધ : 31 મે સુધી ઓનલાઇન સ્વ ગણતરી કરી શકાશે. વધુ માહિતી માટે તમે સેન્સસ હેલ્પલાઈન નંબર 1855 પર સંપર્ક કરી શકો છો.

વેબસાઇટ લીંક - se.census.gov.in

Author : Gujaratenews