ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલમાં વિશ્વ થેલેસેમિયા ડે ઉજવાયો

10-May-2026

ભાવનગર : સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ ખાતે થેલેસેમિયાના બાળ દર્દીઓને સ્ટડી કિટનું વિતરણ અને વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ થેલેસેમિયા દિવસ 8 મેના રોજ લગ્ન પૂર્વે ટેસ્ટિંગ કરાવવા વાલીઓને અપાયું માર્ગદર્શન

​ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગરના બાળરોગ વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બીમારી સામે લડતા બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
​તબીબી તજજ્ઞોની હાજરીમાં માર્ગદર્શન
​બાળરોગ વિભાગના વડા ડો. મેહુલ એમ. ગોસાઈના આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. મેહુલ એમ. ગોસાઈએ થેલેસેમિયા મુક્ત સમાજ માટે મહત્વનો સંદેશ આપતા જણાવ્યું હતું કે:
​"થેલેસેમિયા સામેની લડાઈમાં 'વહેલી તપાસ' એ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો બાળકમાં આ રોગનું નિદાન સમયસર થઈ જાય અને તેને નિયમિત તેમજ યોગ્ય સારવાર મળે, તો તે બાળક પણ સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ, ભવિષ્યમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના નિર્માણ માટે દરેક યુગલે 'લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટિંગ' કરાવવું અત્યંત અનિવાર્ય છે. જાગૃતિ જ આ ગંભીર બીમારીનું સાચું નિવારણ છે."
​સ્વ. પુત્રી કૃષ્ણા ની યાદમાં પિતાનું પ્રેરણાદાયી કાર્ય ​આ કાર્યક્રમમાં તેઓના પિતા શ્રી જીવરાજભાઈ મારુ અને તેમના સંબંધી શ્રી વિશાલભાઈ દ્વારા 25થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સ્ટડી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રી જીવરાજભાઈ મારુની પુત્રી સ્વ. કૃષ્ણા છેલ્લા 18 વર્ષથી સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી હતી, જેનું થોડા સમય પહેલાં આ બીમારીના કારણે અવસાન થયું હતું. પોતાની પુત્રી કૃષ્ણાની સ્મૃતિમાં અન્ય બાળકોના ભવિષ્ય માટે તેમણે આ સેવાકીય કાર્ય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
​આ પ્રસંગે એડિશનલ ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. અશોક વાળા, આર.એમ.ઓ. ડો. તૃષાર આદેશરા, અને યુનિટ-૨ હેડ ડો. અલ્પાબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઈન્ચાર્જ ડીન ડો. નિલેશ પારેખ અને ડીન ડો. ચિન્મય શાહ દ્વારા પણ તમામ દર્દીઓને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
​ટીમ દ્વારા સફળ આયોજન ​સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડો. મેહુલ એમ. ગોસાઈ ના નેતૃત્વમાં તથા ડો. મૈત્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ - દિલીપભાઈ પટેલ, ડો. આરાધના બા ગોહિલ, ડો. હિનલ ગુજરાતી, ડો. સંગીતા કોડિયાતર, ડો. ગણેશ બારૈયા, ડો. મોઈન ખાન, ડો. જૈન મર્ચન્ટ, ડો. પાયલ કાકરવાલ, ડો. નિકુંજ કારંગીયા, ડો. પ્રિયંકા દેહૂરી અને પંકજ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બાળકો અને વાલીઓ માટે હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિએ પીડિત બાળકોમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો.

Author : Gujaratenews