રાજકોટ: માછલીના બચ્ચાં ઉછેરવાના ફિશ કેજ કલ્ચર એકમમાં વાવાઝોડાને કારણે કરોડોનુ નુકસાન

20-May-2021

રાજકોટ : તાઉતેએ ભારે તારાજી સર્જી છે, તાઉતેની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્તાઇ હતી, ફિશરીઝના વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ તારાજીમાં સૌથી વધુ અસરકર્તા બન્યા છે. ગોંડલના લીલાખા નજીકના ભાદર ડેમમાં બે વર્ષથી શરૂ કરાયેલું ફિશ કેજ કલ્ચર યુનિટ વાવાઝોડામાં ઝપટે ચડી ગયું હતું અને આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. રાણાવાવના પરેશનગરમાં રહેતા અને લીલાખા પાસે ભાદર ડેમમાં બે વર્ષથી ફિશ કેજ કલ્ચર યુનિટ ચલાવતા રેખાબેન હરદાસભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, સરકારની મંજૂરી સાથે બે વર્ષથી ભાદર ડેમમાં ઉપરોક્ત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટ અંતર્ગત વિયેતનામથી પંગાશિયસ જાતની માછલીના બચ્ચાં ઇમ્પોર્ટ કરી તેને કેજમાં ઉછેરવામાં આવે છે, બચ્ચાંને ફીડિંગ સહિતની વસ્તુઓ પૂરી પાડી ઉછેરવામાં આવે છે અને માછલીના બચ્ચાં એકથી દોઢ કિલો વજનના થાય ત્યારે તેનું વેચાણ કરવામાં આવે છે. હોટેલમાં આવી માછલીઓની મોટાપ્રમાણમાં માંગ રહે છે. ભાદર ડેમમાં આવા 1350 કેજ બનાવવામાં આવ્યા હતા, એક કેજમાં પાંચ હજાર માછલીના બચ્ચાં ઉછેરવામાં આવે છે. તાઉતે વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવનથી ડેમમાં ઉતારવામાં આવેલા કેજ વેરવિખેર થઇ ગયા હતા અને માછલીના બચ્ચાં તેમજ તેનો ખોરાક પાણીમાં ગરક થઇ ગયો હતો. એકસાથે 1350 કેજ ડેમના પાણીમાં હોમાઇ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. ભારતમાં જુજ જોવા મળતા આ પ્રોજેક્ટમાં ભારે નુકસાન થતાં પ્રોજેક્ટ સંચાલક રેખાબેન ઓડેદરાએ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકને લેખિત અરજી કરી નુકસાનનો સરવે કરાવી વળતર આપવા માંગ કરી હતી.

Author : Gujaratenews