ટોસિલિઝુમેબ કાળાબજાર: સુરત જનરલ હોસ્ટિલના મેડિકલ સ્ટોરના માલિક સહિત 2ની ધરપકડ, પરવટ પાટિયાની એક હોસ્પિટલના ડોકટરની સામે તપાસ

13-May-2021

સુરત : અત્યાર સુધીમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કાળાબજારીમાં ઉમરા પોલીસે રસીક કથીરીયા, તેની ડોકટર પુત્રી હેતલ કથીરીયા અને વ્રજેશ મહેતાની ધરપકડ કરી ત્રણેય પોલીસ રિમાન્ડ લીધા બાદ વધુ બે જણાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. એક આરોપી સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરનો સંચાલક 57 વર્ષનો મયંક મહેશ જરીવાલા (રહે, 101, સોહમ રેસીડેન્સી,લાલ દરવાજા,સુરત) છે અને બીજો પણ એજ હોસ્પિટલનો કર્મચારી 42 વર્ષનો વિજય અરજણભાઈ કુંભાણી (રહે.સાંનિધ્ય રેસીડન્સી, પરવટપાટિયા,મૂળ રહેવાસી, ઉમિયાનગર, તા. કેશોદ, જિ. જુનાગઢ) છે. પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગૃપે સૌથી પહેલા ડો.હેતલ કથીરીયાના પિતા રસીક કથીરીયાને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રૂપિયા 2.70 લાખમાં વેચવા જતો પકડ્યો હતો. તે વખતે ઇન્જેક્શન તેને વેસુની જીઓમેક્સ હોસ્પિટલના વ્રજેશ મહેતાએ આપ્યું હોવાનું બહાર આવ્યું પછી વ્રજેશની આકરી પુછપરછ કરવામાં આવી હતી.

વ્રજેશની જ્યારે તળિયાઝાટક તપાસ કરવામાં આવી ત્યારે કબૂલ્યું હતું કે આ ઈન્જેકશન સુરત જનરલ હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાંથી લાવ્યો છે. જેના આધારે પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક મયંક જરીવાલાની પૂછપરછ કરી હતી. પોલીસે દુકાનમાં મેડિકલ સ્ટોકની તપાસ કરી હતી. જેમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સ્ટોકમાં હતું. પરંતુ મયંકે વ્રજેશને પ્રિસ્કિપ્શન વગર આ ઇન્જેક્શન આપ્યું હતું. ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર આ રીતે ઇન્જેક્શન આપી શકાય નહિ, જેથી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. 

28મી તારીખે ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આઇસીયૂમાં જે પેશન્ટ દાખલ હતો તેને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લખી આપવામાં આવ્યું હતું. પછી આ ઇન્જેક્શન ડો.હેતલના રેફરન્સથી વિજય કુંભાણીએ 2.30 લાખની રકમ લઈ પેશન્ટના સંબંધીને તેના વોટર પ્લાન્ટ પરની ઓફિસ પરથી આપ્યું હતું. ઉમરા પોલીસે વિજયની ધરપકડ કરી ટોસિલિઝુમેબ ઇન્જેકશનોની ખાલી બોટલ, ઢાંકણ અને બોક્ષ પેશન્ટના સંબંધી પાસેથી કબજે કર્યુ છે. વિજયની પૂછપરછમાં રામાણી નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. જેથી પોલીસે રામાણીના મોબાઇલ નંબર આધારે તેના સુધી પહોંચી હતી. રામાણી તો માત્ર વચેટિયો છે અને તે માત્ર એક ડોકટરના કહેવાથી વિજયને ઇન્જેક્શન આપવા આવ્યો હોવાનું રટણ કરી રહયો છે. જો કે ઇન્જેક્શનમાં તેની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. હવે પોલીસ પરવટ પાટિયાની એક હોસ્પિટલના ડોકટરની શોધખોળ કરી રહી છે. ડોકટરે વિજયને ઇન્જેક્શન આપવા માટે રામાણી નામના એક વચેટીયાને મોક્લ્યો હતો. 

ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં કેટલા પેશન્ટોને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યા તેની વિગતો અને કેમેરાની તપાસ થાય તો ઘણી હકીકતો સામે આવી શકે
ટોસિલિઝુમેબ ઇન્જેકશનની કાળાબજારીમાં સૂત્રધાર ટ્રાઈસ્ટાર હોસ્પિટલની ડો. હેતલ કથીરીયા છે. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં તે ત્રીજા માળે આઈસીયુમાં ફરજ બજાવતી હતી. ટ્રાઈસ્ટાર હોસ્પિટલના ત્રીજા માળે આવેલા આઈસીયુના સીસીટીવી કેમેરાની તપાસ કરાય તો ડો.હેતલની ઘણી બધી હકીકતો સામે આવી શકે છે. એટલું જ નહિ ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં એટલે કે એપ્રિલમાં કેટલા પેશન્ટોને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યા તે અંગેની હકીકતોની પોલીસ તપાસ કરે તો ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે.
 

Author : Gujaratenews