રાજકોટના જેતપુર તાલુકામાં છ માસમાં 2700થી વધુ દર્દીઓના ડાયાલીસીસ કરાયા

22-Jul-2021

રાજકોટના જેતપુર તાલુકામાં છ માસમાં 2700 થી વધુ દર્દીઓના ડાયાલીસીસ કરાયા.

ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. 24 લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠ્ઠા ક્રમે આવતો ગંભીર રોગ છે.

ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. કિડનીના દર્દીઓમાં ક્રોનિક રીનલ ફેઈલરના કારણે તેના શરીરમાં ક્રીએટીનનું પ્રમાણ વધે છે, જેના લીધે દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલીસીસ કરાવવું જરૂરી હોઈ છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધીકરણ કરવામાં આવે છે.

આ રોગનાં અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને લીધે બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પ્ટિલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ માં અમૃતમ કાર્ડ ધારકો નિ:શુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે.

સિવિલ હોસ્પિટલ-જેતપુર ખાતે સિવીલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિકીતા પડિયાના માર્ગદર્શન હેઠળ ડાયાલીસીસ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ ટેકનિશ્યન ક્રિષ્ના કાછડીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ જેતપુર ખાતે ડાયાલીસીસ વિભાગ ચાર વર્ષ થી કાર્યરત છે. હાલમાં ડાયાલીસીસ વિભાગમાં રોજના 20-22 જેટલા ડાયાલીસીસ નિ:શુલ્ક કરવામાં આવે છે. હાલમાં આ વિસ્તારના 54 જેટલા સારવાર લઈ રહ્યા છે.

અમુક દર્દીઓના એકાતરા અથવા અઠવાડિયામાં બે દિવસ ડાયાલીસીસ કરવામાં આવે છે.આ બાબતે પ્રતિમાસ 450-500 જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે. દર્દીનું ડાયાલીસીસ કરી આપતા કુલ 9 મશીન ઉપલબ્ધ છે. અહીં જેતપુરમાં જ ઘરઆંગણે નિશુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉભી થવાને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ સુધી જવું નથી પડતું.

IKDRC દ્વારા સંચાલીત જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ 10,000 ઇન્ટરનેશનલ યુનિટના ઈન્જેક્શનની સુવિધા વીનામુલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત, દર્દી એક અવાજે ફરજ પરના નર્સ તેમની મદદ માટે પહોંચી જાય છે અને દર્દીની જરૂરીયાત મુજબની મદદ કે સારવાર આપવામાં આવે છે. કિડનીના દર્દીઓની સારવાર માટે નેફ્રોલોજીસ્ટ ડો. મયુર મકાસણા સમયાંતરે સેવા આપે છે.

જેતપુર સિવીલમાં ચાલુ વર્ષ 2021 દરમિયાન કુલ 2,796 જેટલા ડાયાલીસીસ કરાયા હતા. જાન્યુઆરી-21 માં 455 જેટલા, ફેબ્રુઆરી-21 માં 424 જેટલા, માર્ચ-20 માં 515 જેટલા, એપ્રિલ-21માં 471 જેટલા, મે-21માં 473 જેટલા, જુન-21માં 458 જેટલા ડાયાલીસીસ કરાયા હતા, તેમ ટેકનિશ્યન ક્રિષ્નાએ જણાવ્યું હતું.

રિપોર્ટ: ચુડાસમા વિક્રમસિંહ  (જેતપુર)

Author : Gujaratenews