સુરતના પૂર્વ કમિશનર રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના નવા પોલીસ કમિશનર

27-Jul-2021

આઈપીએસ (IPS) અધિકારી રાકેશ અસ્થાનાની (Rakesh Asthana) દિલ્હી પોલીસ કમિશનર (Delhi Police Commissioner) તરીકે નિમણૂક કરવામાં આવી છે અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. આઈપીએસ રાકેશ અસ્થાના મૂળ ઝારખંડના રહેવાસી છે.અસ્થાના અગાઉ સીબીઆઈમાં વિશેષ નિયામક પણ રહી ચૂક્યા છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. રાકેશ અસ્થાનાને 20મી ઑગસ્ટ 2020ના રોજ બીએસફના ડીજી તરીકે (Director-General (DG) of the Border Security Force (BSF) તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ તેમને આ નવી નિયુક્તિ આપવામાં આવી છે.

રાકેશ અસ્થાના એક હાઇપ્રોફાઇલ અધિકારી છે. તેમણે અતિ મહત્ત્વના અનેક કેસોની તપાસ કરી છે. જેમાં કેટલાક કેસો અતિ સંવેદનશીલ હતા. આઇપીએસ અધિકારી તરીકે તેમણે ગોધરા કાંડ, લાલુ પ્રસાદ યાદવની ધરપકડ જેવા કેસોમાં કામગીરી કરી છે. સુશાંતસિંહ રાજપૂત ડ્રગ કનેક્શન કેસની તપાસ રાકેશ અસ્થાનાની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી હતી. રાકેશ અસ્થાના હાલમાં બીએસએફ ડીજી અને એનસીબી ચીફ હતા. વર્ષ 2018માં 'CBI vs CBI'ની કહાણીમાં તેમનું નામ ચર્ચાની એરણે ચઢ્યું હતું.

સુરત કમિશનર તરીકે, રાકેશ અસ્થાનાએ કહેવાતા સંત આસારામ બાપુ કેસની પણ તપાસ કરી હતી. તાજેતરમાં, એસ.એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ પછી બાલાજીને દિલ્હીના કાર્યકારી કમિશનર બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈના પૂર્વ વડા આલોક વર્માએ તેમને એક કેસમાંથી તપાસ અધિકારી તરીકે હટાવ્યા હતા. દરમિયાન એ સમયે અસ્થાનાએ વિજિલન્સ કમિશનને આલોક વર્મા વિરુદ્ધ એક પત્ર લખ્યો, એ પત્રમાં તેમણે વર્મા સામે 10 કેસમાં તપાસને અસર પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. અસ્થાનાએ સામો આક્ષેપ મૂક્યો હતો કે સતિષ જે હૈદરાબાદનો વેપારી છે તેમણે આલોક વર્માને સીબીઆઈની કાર્યવાહી રોકવા માટે રૂપિયા 2 કરોડ ચુકવ્યા હતા. આ સમસ્યાઓ સર્જાઈ ત્યારબાદ આલોક વર્માને અને અસ્થાનાને સીબીઆઈમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

Author : Gujaratenews