કોરોનાઃ સતત બીજા વર્ષે અમરનાથયાત્રા રદ

21-Jun-2021

નવી દિલ્હી :કોરોના મહામારીને પગલે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય. જોકે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન આરતીની સુવિધા એટલે કે દર્શન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ કરવામાં આવી છે. સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલટલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જોકે કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા ૨૬ કરવામાં આવી હતી.

આ અગાઉ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટાવ્યા બાદ સુરક્ષા કારણોને લીધે યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી. આ કારણથી અનેક શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી શક્યા ન હતા. આ વખતે બોર્ડે યુદ્ધસ્તરે યાત્રા માટે તમામ તૈયારી શરૂ કરી હતી. ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના CEOની અધ્યક્ષતામાં અનેક વખત બેઠક યોજાઈ હતી. એવી આશા હતી કે આ વખતે છ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. જોકે એપ્રિલ મહિનામાં સંક્રમણ વધવાને પગલે તેને અટકાવવી પડી છે. અમરનાથ યાત્રા સૌથી મુશ્કેલ યાત્રાઓ પૈકી એક છે. કાશ્મીરના બાલટાલ અને પગલગામથી આ યાત્રા શરૂ થાય છે. આ તીર્થ અનંતનાગ જિલ્લામાં આવેલું છે. અમરનાથની ગુફામાં બરફથી કુદરતી શિવલિંગનું સર્જન થાય છે. અહીં પહોંચવાનો માર્ગ અનેક પડકારોથી ભરેલો છે. પ્રતિકૂળ મૌસમ, ભૂસ્ખલન, ઓક્સિજનની અછત જેવી સમસ્યા વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં મનોજ સિંહાએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, અગ્રણી સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews