ગુજરાત સરકારનો નિર્ણય:રાજ્યમાં લગ્ન નોંધણી સર્ટીફીકેટની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ, ઓફલાઈન પ્રક્રિયા કાયમી બંધ કરાઈ
21-Sep-2022
ગુજરાતમાં કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના સર્ટીફીકેટની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. આ મહત્વનો પ્રજાહિતલક્ષી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે.
બે વેબસાઈટ પર ઓનલાઈન ખરી નકલ મેળવી શકાશે
ડિજિટલ ગુજરાત અંતર્ગત નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in
અથવા https://garvibeta.gujarat.gov.in
ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકશે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે.
માર્ગદર્શિકા સ્ટેમ્પ રજિસ્ટ્રેશન વેબસાઈટ પર ઉપલબ્ધ
ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના આ મહત્વના પ્રજાલક્ષી નિર્ણયથી મોટી સંખ્યામાં નાગરિકોને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.
લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરી નકલ માટે ગાંધીનગર જવું પડતું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મેરેજ એક્ટ 1872 હેઠળ નોંધણી થયેલા અસલ લગ્ન સર્ટિફિકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024