મોતની આગગાડી: અરવલ્લી જિલ્લામાં મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, છ લોકોના મોતની આશંકા,બેના મૃતદેહ મળ્યા
21-May-2022
અરવલ્લી જિલ્લામાં મોડાસાના આલમપુર પાસે શનિવારે ભયાનક ત્રિપલ અકસ્માત થયો છે. અકસ્માત થતા જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય તેવો માહોલ હતો. અકસ્માતમાં છ લોકોના મોતની આશંકા છે. જેમાં બે લોકોનાં મૃતદેહ મળ્યા છે. અકસ્માતને પગલે હાઇવે લાંબી કતારો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઇવે પર અકસ્માત થતા ટ્રાફિક થંભી ગયો હતો. અકસ્માત બાદ ત્રણેય વાહનોને આગે ઝપેટમાં લીધા હતા. અકસ્માતની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા. આ સરકારી તંત્રના કર્મચારીઓ જેમાં આરટીઓ અધિકારી, મોડાસા મામલતદાર અને ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ નજીક ત્રણ ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કેમિકલ ભરેલા ટ્રકમાં ભયંકર આગ ભભૂકી હતી. આગને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ આશરે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની ટક્કર બાદ મોડાસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકો સળગી રહેલા વાહનો નજીક ન જાય તેવા પ્રયાસો હાથ ધર્યાં હતા. આ ઉપરાંત ટ્રાફિકને ડાઇવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સવારે 10 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે અંદર સાતથી આઠ લોકો ફસાયા હોવાની શક્યતા છે. આગના કોલ બાદ ફાયરના ત્રણ ટેન્કરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોડાસાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોડાસા મામલતદારના કહેવા પ્રમાણે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હોઈ શકે છે. એક સીએનજી ગાડી હોય તેવી પણ શક્યતા લાગી રહી છે.વાહનોની ટક્કર બાદ લાગેલી આગ એટલી ભયંકર હતી કે ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે. બે ટ્રક સામ સામે આવી રહ્યા હતા ત્યારે ત્રીજા ટ્રક ડ્રાઇવરે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માત થયાની આશંકા.અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
Author : Gujaratenews
20-Aug-2024