સુરતમાં એક મોટા નેતાના પુત્રનું 1,000 કરોડનું કૌભાંડ, 400થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી

17-Sep-2023

સુરત - એક તરફ પ્રધાનમંત્રીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ભાજપ ઉજવી રહ્યો છે ત્યારે સુરતમાં ભાજપના એક ધારાસભ્યના પુત્ર લોકોની આવી સેવા કરી રહ્યાં છે. લોકોના રૂપિયા ચૂંટણી ફંડમાં જમા કરાવી લીધાનો પણ આક્ષેપ થયો છે. વાંચો વિસ્તારથી રીપોર્ટ.

અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને માર્કેટના 125થી વધુ ફરિયાદીઓએ રેલી કાઢી

સુરતના પુણાગામ ખાતે 2 રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરનારી સેવન સ્ટાર એમ્પાયર લિમિટેડ કંપની તરફથી છેતરપિંડી કરવામાં આવી છે. 7 સ્ટાર એમ્પાયર લિમિટેડ એક કંપની, હરેશ લાલજી કથીરિયા, સનિ રસિક લહેરી, રૂપેશ પરમાનંદ કોટેચા, હસમુખ રાજા મિરોલિયા, રવિ રસિક લહેરી, ભોળા દેવચંદ લહેરી તે 7 સ્ટાર એમ્પાયર લિમિટેડના ડાયરેક્ટર, પૂર્વ ડિરેક્ટર પ્રકાશ કાનાણી, જતીન પ્રદીપ ખગ્રામ, દર્શિત કિશોર રાયથાથા, શૈલેશ રવજી પટોળિયા, સાગર બુટાણી, વિમલ કિકાણી, રાહુલ વાઘેલા સહિત તપાસના કામે મળી આવે તે તમામ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવતો નથી. જે અન્યાય સામે અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને માર્કેટના 125થી વધુ ફરિયાદીઓ દ્વારા રવિવારે મૌન રેલી કઢાઈ હતી.

ચાલુ કન્સ્ટ્રક્શનમાં 10 થી 30 હજાર સુધીના ભાડાની ઓફર આપી

7 સ્ટાર એમ્પાયર લિમિટેડ દ્વારા અયોધ્યા ટેક્સટાઇલ મોલ - માર્કેટમાં મિલકત વેચાણ અંગેની લોભામણી જાહેરાતો સમાચારપત્રો, સોશ્યિલ મીડિયામાં આપી દર મહિને માસિક 10 હજારથી 30 હજાર સુધીના ચાલુ કન્સ્ટ્રક્શનમાં ભાડા આપવા બાબતો દર્શાવેલ, હાલ ઉપરોક્ત તમામ આરોપીઓ દ્વારા મિલકત/ દુકાનના નામ પર આશરે 400થી વધુ લોકો પાસે કરોડો રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી છે. 747 સરવે નંબર તેની માલિકીનો ન હોવા છતા તેના પર સેંકડો લોકો પાસે ડાયરી પર નાણાં લીધેલ છે. 

બે વર્ષમાં બાંધકામ પૂર્ણ થઈ જશે તેવી મૌખિક ખાતરી આપી 17 વર્ષના કરાર પર સાઇન કરાવી લીધી

રેલીમાં ઉપસ્થિત થયેલા ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, મૌખિક 2 વર્ષમાં બાંધકામ થઈ પુર્ણ થઈ જશે તેવી વાતો કરી કાવતરાપૂર્વક 2036 સુધીમાં પ્રોજેક્ટની રેરા પરવાનગી લઈને ગ્રાહકો પાસે અંગ્રેજીમાં સહી કરાવી લીધી, ઉપરાંત પિરામલ ફાઇનાન્સ કંપની પાસેથી પ્રોજેક્ટ લોન લઈ નાણાં ચુકવ્યા ન હોય તથા આગોતરુ કાવતરું રચી 400થી વધુ લોકોનો વિશ્વાસ જીતીને વ્યક્તિઓના કાયદેસરના નાણાં પરત ન ચૂકવી કે મિલકતનો ભોગવટો કરી શકાય તેવો કબજો ન આપી તથા ખોટી સહી અને ગ્રાહકની હાજરી ન હોય તેવા બીફોર મી નોટરી કરાવેલા દસ્તાવેજો બનાવી સરકારી, અર્ધસરકારી અને અન્ય કચેરીમાં રજૂ કરી ગુનો આચર્યો તેમ છતા ગુનો દાખલ કરવામાં આવતો નથી. 

ફરિયાદીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુનાહીત કાવતરું, વિશ્વાસઘાત અને છેતરિપંડી કરેલ હોય અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાથી તમામ આરોપી પર આઇપીસી કલમ, 406, 420, 409, 465, 467, 468, 471, 452, 120(બી) 504, 506(2), તેમજ જીપીઆઇડી એક્ટની કલમ 3 મુજબ ગુનો નોંધવા તથા અન્ય કાયદેસર કાર્યવાહી કરવા, વિદેશ ભાગી જવાની ભીતિ હોય પાસપોર્ટ જપ્ત લેવા અમો ફરિયાદીની નમ્ર અરજ છે. તથા સદર કામની તપાસ માટે એક યોગ્ય પોલીસ ટીમની નિયુક્તિ કરી જેથી સદર કામે તપાસ વ્યવસ્થિત થઈ નાના રોકાણકારોને ન્યાય અપાવશો. 

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, અનેક વાર અરજી થયેલ હોવા છતા પોલીસ તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય, નાના રોકાણકારોને સાંભળવામાં આવેલ ન હોય અને આરોપીઓને વધુમાં વધુ ટેકો મળેલ છે. આરોપીઓ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોય તેના પાસપોર્ટ તત્કાલ જપ્ત કરવામાં આવે, બંને પ્રોજેક્ટ મળીને કંપની દ્વારા અંદાજીત 1000 કરોડનું કૌભાંડ કરવામાં આવેલ છે. જે બાબતે આજ સુધીમાં અલગ-અલગ જગ્યાએ સ્થાનિક પોલીસ મથકથી પ્રધાનમંત્રી સુધી વિવિધ ઓર્થોરિટીમાં 100થી વધુ અરજી કરાયેલી છે, ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) અર્ધ ન્યાયીક કોર્ટ સહિતની વિવિધ કોર્ટમાં ગયા છીએ. મોટી સંખ્યામાં ફરિયાદીઓ છે અને ક્રિમિનલ ઓફેન્સના પુરતા પુરાવા હોવા છતા સુરત શહેર પોલીસ વિભાગ તરફથી એક પણ ગુનો દાખલ કરવામાં આવતો નથી.

સેવન સ્ટાર એમ્પાયર લિ.ના બે પ્રોજેક્ટ

- 1. અયોધ્યા ટેક્સટાઈલ માર્કેટ અને 2.અયોધ્યા ટેક્સટાઇલ મોલ- બંને મળી 1000 કરોડનું કૌભાંડ - પ્રોજેક્ટ લોન 110.40 કરોડ
- કૌભાંડમા ૪ એડવોકેટ, ૧ નોટરી સહિતના ૩૦થી ૪૦ આરોપી

સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરાયુ??


(૧) “૭ સ્ટાર એમ્પાયર લિમિટેડ” કંપનીનાં ભાગીદારો અને મળતીયાઓ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ ન્યુઝ પેપરમાં ફ્રન્ટ પાનામાં આજીવન ગેરેન્ટેડ ભાડા + ભાવ વધારાનો લાભ + ડબલ બેનિફિટ વાળી છેતરામણીવાળી કલરફૂલ જાહેરાતો આપી હાલ કોઈ લાભ ન આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરેલ છે‌.

(૨) બ્લોક નં. ૭૪૬+૭૪૭ પૈકી બ્લોક નં.૭૪૭ વાળી જમીનની માલિકી બિલ્ડરોની નહીં હોવા છતાં તેની ઉપર ૨૫૦૦ દુકાનો બતાવી બિલ્ડરોએ દુકાનોનું વેચાણ કરી ગ્રાહકો સાથે ઈરાદાપૂર્વક છેતરપિંડી કરેલ છે.

(૩) બેંક મારફતે ગ્રાહકોનાં રૂપિયા બિલ્ડરોએ તેમની જ બીજી કંપનીઓ અને ભાગીદારી પેઢીઓ અને તેમનાં અન્ય મળતીયા માણસોનાં બેંક ખાતામાં જમા કર્યા છે. જેમાં બિલ્ડર હરેશ કથીરિયા દ્વારા સાટાખત/mou બનાવી આપેલ છે. તેમના પેમેન્ટ સેવન સ્ટાર કંપનીમાં લીધા છે. સેવન સ્ટાર કંપનીએ MOU બનાવી આપેલ છે તેના પેમેન્ટ શ્રીરામ કન્સ્ટ્રક્શનમાં લીધા છે. શ્રીરામ કન્સ્ટ્રક્શને MOU બનાવી આપ્યા છે તેના પેમેન્ટ સેવન સ્ટાર અથવા તો સેવન સ્ટાર એમ્પાયર લિમિટેડમાં લીધેલ છે. તેથી સાબિત થાય છે કે આ બધી કંપનીઓ મિલી જુલી અને તેઓની નવી નવી કંપની ઉભી કરેલી છે. આ કરવા પાછળ એકબીજાના મેળાપીપણામા ષડયંત્ર રચી છેતરપિંડી કરતા હોવાનું સ્પષ્ટ જણાય છે.

(૪) ગ્રાહકોને દુકાનો વેચી બિલ્ડરોએ તેમની જ બીજી કંપનીઓ અને તેમનાં મળતીયા વ્યક્તિઓ દ્વારા MOU, ભાડાકરાર બનાવ્યા છે.

(૫) બિલ્ડરો દ્વારા ઈરાદાપૂર્વક MOU, ભાડા કરાર વગેરે કરારો નોટરી વકીલની બીફોરમી વગર જ બિલ્ડરોની બીફોરમીમાં બનાવી નોટરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવેલ હોય

(૬) બિલ્ડરો દ્વારા ઈરાદાપૂર્વક “સ્ટાર અયોધ્યા ટેક્સ્ટાઈલ મોલ” નાં દસ્તાવેજોમાં 2036 સુધીમાં BUC અને કબજો આપવાના લખાણો ગ્રાહકો નથી જાણતા તેવી અંગ્રેજી ભાષામાં લખી આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરેલ હોય

(૭) ગ્રાહકોની માલીકીની મિલકતોનો આરજો-મારજો કરી આપવાની સ્કીમો બતાવી બિલ્ડરો દ્વારા ગ્રાહકોની મિલકતો વેચી તેના રૂપિયા પણ બિલ્ડરોએ લઈ લીધા છે.

(૮) આશરે ૪૦૦થી પણ વધુ લોકો સાથે છેતરપિંડી કરેલ હોય

(૯) આશરે ૩.૫ વર્ષથી “સ્ટાર અયોધ્યા ટેક્સ્ટાઈલ મોલ” અને “સ્ટાર અયોધ્યા ટેક્સ્ટાઈલ માર્કેટ” બંને પ્રોજેકટનું બાંધકામ સંપૂર્ણ બંધ હાલતમાં છે.

(૧૦)અયોધ્યા મોલ (સેવન સ્ટાર એમ્પાયર લિ.) -૨૫૦૦ શોપના પ્રોજેક્ટ જે પૈકી 50% જ રેરા અને એસએમસીમાં મંજૂર છે. જે શોપ ક્યાંય મંજૂર નથી તેમાં પણ ડાયરી/બેંક થકી  પૈસા લેવાયા છે.

 (૧૧)શ્રી રામ કન્સ્ટ્રક્શનના નામે RERAમા 458 શોપના ખરીદદાર તરીકે રાહુલ વાઘેલાને બતાવ્યા છે. આરટીઆઈમા જાણવા મળ્યું છે કે આ પેઢીના 9.22 કરોડ બુકિંગ પેટે દર્શાવી 41.61 કરોડનો માલ ખરીદી બતાવેલ, એટલે કે કુલ બુકિંગમાં 60% બુકિંગ આ પેઢીએ કરાવ્યું છે, જેમ કે આ વ્યક્તિની કોઈ કેપેસિટી નથી અને બજારમાં કોઈ શાખ પણ નથી. આ 458 શોપ પૈકી જ 50થી વધુ ગ્રાહકો પાસેથી ડાયરી પર ૭૦થી વધુ શોપના નામે પેમેન્ટ ખંખરી લેવામાં આવ્યું છે. આ ખરીદારોને RERAમા બતાવેલ જ નથી. એટલે આગળ જતાં ઇરાદો કંઈક અલગ હોવાનું જણાય છે.

(૧૨) આશરે ૧૫-૨૦ ગ્રાહકોને અંગ્રેજી ભાષામાં બનાવી આપેલા રજિસ્ટર્ડ સાટાખત સાથે કેન્સલેશન ઓફ ડિક્લેરેશન, કોરા વાઉચર, પાવર ઓફ એટર્ની અને કોરા કાગળો પર સહી કરાવી લીધી છે.એટલે આગળ જતાં ઇરાદો કંઈક અલગ હોવાનું જણાય છે.

(૧૩) વર્ષ 2018-19મા જ 50થી વધુ ગ્રાહકોને એમઓયુ, સાટાખત સહિતના પેપરો તૈયાર કર્યા છે. બાદ પ્રોજેક્ટ કમ્પ્લીટ ના થતા પોલીસની પૂછપરછમાં કોરોનાનું કારણ જણાવવામાં આવ્યું છે. જેમ કે કોરોના 2020 બાદ આવેલ છે. જેથી સ્પષ્ટ જણાય છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે.

(૧૪) રૂપિયાને વિદેશ ટ્રાન્સફર કર્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે એક આરોપી યુએસ અને અન્ય બાકીના ડિરેક્ટર વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે, જેના પાસપોર્ટ જપ્ત કરવા જરૂરી

(૧૫)રેરાના નિયમ મુજબ એસક્રો એકાઉન્ટમાં 10% ટોકન એમાઉન્ટ જ લઈ શકાય છે પરંતુ 10% સિવાયનું પેમેન્ટ અન્ય ખાતામાં અથવા ડાયરી પર લઈને છેતરપિંડી આંચરી છે.

(16)અયોધ્યા માર્કેટ (સેવન સ્ટાર એમ્પાયર લિ.)
ઉપરની સેમ પેટનથી અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટમાં પણ કૌભાંડ આચરાયું છે. અયોધ્યા ટેક્સ્ટાઇલ માર્કેટમાં 200 રજીસ્ટર 4 તારીખમાં બે વ્યક્તિઓના નામે કરી લેવાયા છે. આ બંને વ્યક્તિ બિલ્ડરના મેળાપીપણામાં કામ કરી રહ્યા છે.

17. ગ્રાહકોને વિવિધ બહાના હેઠળ સાઇન કરાવેલા ચેકો પણ બિલ્ડર ટોળકી દ્વારા લેવામાં આવ્યા છે.

(મુદ્દા નંબર ત્રણના અનુસંધાને)
Shree Ram Construction
Shri Shiv Shambhu Bholenath Developers
Seven Star Capital
Seven Star Worldwide
Seven Star Dreams
Seven Star Construction
Seven Star Empire
Seven Star Company
Seven Star Empire Limited
Dee Bee Leasing And Hire Purchase Private Limited

Author : Gujaratenews