તેજસ (ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત) દ્વારા યોજાયો યુવાક્રાંતિ સંવાદ કાર્યક્રમ
15-Oct-2022
SURAT : તેજસ (TEJAS) એટલે ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત સંગઠન. આ સંગઠન જોબવર્ક કરતા મશીન માલિકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પરિવારની જેમ કાર્યરત છે.
"યુવાક્રાંતિ" (યુવા સંવાદ) વ્પાપારથી રાષ્ટ્રનિર્માણ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન
આ સંગઠન દ્વારા સરકાર પાસે એમ્બ્રોઇડરી પાર્ક માટેની જગ્યા, સબસીડી શરૂ કરવા તેમજ ટેક્ષટાઈલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મજુરીનાં પૈસા લઇને ઉઠમણું કરતા લે-ભાગુ વેપારીઓ પાસેથી મજુરીના પૈસા પરત મળે એ બાબતે રજુઆતો કરીને સતત પ્રયત્નશીલ છે.
તેજસ અને સંઘર્ષના સાથી સંસ્થા દ્વારા તા.9 રવિવારના રોજ સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા ખાતે સંગીતમય શૈલીમાં રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે "યુવાક્રાંતિ" (યુવા સંવાદ) વ્પાપારથી રાષ્ટ્રનિર્માણ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આરોગ્ય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને ટેક્સટાઇલ કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે હાજરી આપી હતી. તેમના દ્વારા આરોગ્ય લક્ષી મુદ્દાઓ તેમજ વ્યાપારીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે સચોટ જવાબ આપીને સંવાદ કરાયો હતો. તે ઉપરાંત એમ્બ્રોડરી ધારકો માટે ભાડાના મકાનમાંથી છુટકારો મેળવીને દરેક મશીન માલિકને પોતાનું ઇન્ડસ્ટ્રીયલ મકાન મળે એ બાબતે અગાઉ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે રજુઆતો કરાઇ હતી જેના પરિણામ રૂપે સરકાર દ્વારા 2500 એકર જેટલી વિશાળ જગ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે જગ્યા ફાળવવામાં આવી હતી તે મુદ્દાની પણ હાજર મંત્રીશ્રીઓને ફરી રજુઆત કરાઇ હતી, જેની સામે તેમના દ્વારા ખુબ જ ટુંકા સમયમાં એ યોજના કાર્યરત થઇ જવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
મનહરભાઈ સાચપરા દ્વારા પોતાના વક્તવ્યમાં યુવા પેઢીને વ્યસનથી દૂર રહીને પ્રામાણિક રીતે ધંધા રોજગાર સાથે વળગી રહેવા માટે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. તેમજ મંત્રીઓને તેમના દ્વારા GST અને સબસીડીમાં પડતી મુશ્કેલી અને ઉઠમણૂ કરીને ભાગી છૂટતા ચીટર વેપારી સામે કાયદાકીય લડત આપી શકાય તે માટે મજબૂત કાયદો બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં બનતા ઉઠમણાંના કિસ્સા નિવારી શકાય અને કડક પગલાં લેવા માટે પણ બાહેંધરી આપવાની પણ રજુઆત કરાઇ હતી. આ કાર્યક્રમમાં લોક ગાયક વિવેક સાંચલા અને હાસ્ય કલાકાર મિલન તળાવીયાએ પોતાની અલગ વાક્ શૈલીથી હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, વરિષ્ઠ સામાજિક અગ્રણીઓ, એમ્બોડરી ધારકો અને યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેજસ અને સંઘર્ષના સાથીની યુવા ટીમ દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું.
25-Jun-2025