કૌભાંડ નોન સ્ટોપ: ઊર્જા વિભાગની ત્રણ વર્ષમાં થયેલી ભરતીઓમાં મસમોટું કૌભાંડ: આક્ષેપો, અરવલ્લી પોલીસની ત્રણ ટીમ તપાસમાં લાગી
05-Jan-2022
વચેટિયાનું નામ યુવરાજસિંહે લીધું છે તે અવધેશ પટેલ ધનસુરાના ભાજપ યુવા મોરચાનો મહામંત્રી
GETCOની ભરતીમાં કૌભાંડ આચરાયું હોવાનો આરોપ, એપી સેન્ટર અરવલ્લી અને બાયડ
પેપર લીકનો મુદ્દો લીકરકાંડમાં ફેરવાઈ ગયો છે. GUJARAT ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં જે વચેટિયાનું નામ યુવરાજસિંહે લીધું છે તે અવધેશ પટેલ ધનસુરાના ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. કૌભાંડમાં નામ આવ્યા બાદ તે પોતાની કાર મૂકીને ભૂગર્ભમાં જતો રહ્યો છે. તપાસ દરમિયાન વધુ મોટા માથાનાં નામ ખૂલે એવી શક્યતા છે.
વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલાં ધોવાઈ રહ્યાં છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે "અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનાં હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ."
પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ
છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ કરીને તેમણે ખળભળાટ મચાવી દીધો છે, જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે એમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં ઊર્જા વિભાગની ભરતીમાં મોટે પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.
યુવરાજસિંહે વધુમાં ઉમેર્યું હતું કે GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે, જેનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂક આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂક આપવી એ ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે.
પરીક્ષામાં વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ અપાયા
તેમણે આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ અપાયા છે, જેમાં વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા (વડોદરા)ની સંડોવણી હોવાનું જણાવ્યું છે. એજન્સીના મળતિયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે, જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે. યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓનાં નામ જણાવ્યાં હતાં, જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલનાં નામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આ સિવાય યુવરાજે GETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું હતું, જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા ઓનલાઈન લેવાય છે, જેનું આયોજન મહારાષ્ટ્રની કંપની કરે છે, જેમાં પટેલ, ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાય જોવા મળશે. એક જ ગામના 18 લોકોને નોકરી કેવી રીતે મળી એ મોટો સવાલ હોવાનું જણાવ્યું હતું. અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે, જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસૂલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે, જેમાં કંપનીના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે, જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું છે.
પેપર લીકનો મુદ્દો લીકરકાંડમાં ફેરવાઈ ગયો છે
યુવરાજસિંહ જાડેજાએ ઊર્જા વિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયાં છે એના વિશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્કમાં પણ તપાસને દબાવવામાં આવી રહી છે. તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દા ઉઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે "હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું. હું કોઈપણ રાજકીય રંગ આપવા માગતો નથી. આ મુદ્દે કોઈ રાજકીય રોટલા ન શેકવા પક્ષોને અપીલ પણ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024