અમદાવાદ, તા.૧: હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજા રાજય પર હેત વરસાદી રહ્યા છે. શુક્રવારે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૧૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ૧૧ ઇંચ વરસાદ આણંદના બોરસદમાં નોંધાયો છે. સુરતના કામરેજમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ સાત ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયના આઠ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૨૭ તાલુકા એવા છે જયાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા ૫૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૨૭ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
રાજયમાં અત્યારસુધી કેટલો વરસાદ પડ્યો? : રાજયમાં અત્યારસુધી સિઝનનો ૯.૪૧ ટકા વરસાદ પડ્યો છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી સરેરાશ ૧૮.૪૦ એમ.એમ., વરસાદ પડ્યો છે, જે સિઝનનો ૪.૦૩ ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૩૦.૨૪ એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો કુલ ૪.૨૦ ટકા વરસાદ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૬૮.૭૫ એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો ૮.૫૩ ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ ૭૪.૯૬ ટકા વરસાદ પડ્યો છે, જે સિઝનનો ૧૦.૬ ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૭૩.૧૫ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૧૧.૭૩ ટકા વરસાદ પડ્યો છે.
25-Jun-2025