વેક્સિનની નવી નીતિ જાહેર : રાજ્યોએ વેક્સીન ખરીદવાની કોઈ કાર્યવાહી કરવાની રહેશે નહીં

08-Jun-2021

પીએમ મોદીના એલાનના એક દિવસ પછી ભારત સરકારે વેક્સીનેશન અભિયાન માટેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે.

જે પ્રમાણે કેન્દ્ર સરકાર વેક્સીન બનાવતી કંપનીઓ પાસે 75 ટકા વેક્સીન ખરીદીને રાજ્યોને મફત આપશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલો માટે વેક્સીનની કિંમત વેક્સીન કંપનીઓ જ નક્કી કરશે.

કેન્દ્ર તરફથી રાજ્યોને જેટલી વેક્સીન મળશે તે પ્રમાણે રાજ્ય સરકાર પોતાના જિલ્લામાં વેક્સીનના ડોઝ ફાળવશે. જેમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રાથમિકતા અપાશે,એ પછી 45વર્ષથી વધારે વયના અને તે પછી એવા લોકોને પ્રાથમિકતા અપાશે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે.

નવી ગાઈડલાઈન પ્રમાણે સૌથી છેલ્લા 18 વર્ષથી વધુ વયના લોકોનો નંબર આવશે. આ માટે રાજ્ય સરકારોએ પોતાની જાતે પ્રાથમિકતા નક્કી કરવાની રહેશે. કેન્દ્ર દ્વારા રાજ્યોને વસતી, બીમાર લોકોની ટકાવારી અને વેક્સીનેશન અભિયાનમાં થયેલી પ્રગતિના આધારે ડોઝ ફાળવવામાં આવશે. વેક્સીન વેડફાતી હશે તે રાજ્યને ફળવાતા ડોઝ પર તેની અસર પડશે.

કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને પહેલેથી જ કહી દેશે કે દરેક રાજ્યને કેટલા ડોઝ મળશે. જે હિસાબથી રાજ્યો પોતાના જિલ્લાઓમાં તેનુ વિતરણ કરશે. જિલ્લાઓ અને વેક્સીનેશન કેન્દ્રોની જાણકારી પણ લોકોને અપાશે.

જુની નીતિ પ્રમાણે કેન્દ્ર સરકાર 50 ટકા વેક્સીન ખરીદતી હતી પણ હેવ 75 ટકા ખરીદી કરશે. જુની નીતિ પ્રમાણે 25 ટકા વેક્સીન રાજ્યોને ખરીદવાની હતી પણ હવે રાજ્યોએ વેક્સીન ખરીદવાની કોઈ કાર્યવાહી કરવાની રહેશે નહીં.

Author : Gujaratenews