છેલ્લા ૬૫ વર્ષથી ધરતી ધબકે છે, પૃથ્વીના ૨૬ સેકન્ડના રહસ્યમય કંપનોએ વૈજ્ઞાનિકોને અચંબામાં મૂક્યા
22-Dec-2025
પૃથ્વીની આંતરિક ગતિને લઈને વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં વર્ષોથી ચર્ચાતું એક રહસ્ય એટલે ધરતીની અંદરથી નિયમિત અંતરે અનુભવાતાં કંપનો. સંશોધકો જણાવે છે કે છેલ્લા લગભગ ૬૫ વર્ષથી પૃથ્વીના વિવિધ ભાગોમાં દર ૨૬ સેકન્ડે એકસરખું કંપન નોંધાઈ રહ્યું છે. આ કંપન કોઈ એક વિસ્તારમાં સીમિત નથી, પરંતુ ધરતીના અંદરથી ઉદ્ભવતું વૈશ્વિક પ્રકૃતિનું હોવાનું મનાય છે.
પૃથ્વી પોતે એક મેટ્રોનોમની જેમ ધબકે છે
વિજ્ઞાનીઓએ સૌપ્રથમ આ કંપનોનો ઉલ્લેખ વર્ષ ૧૯૬૦ની આસપાસ કર્યો હતો. શરૂઆતના અભ્યાસ દરમિયાન આ કંપનોને ‘માઈક્રોસીઝમ’ તરીકે ઓળખવામાં આવ્યા. તે સમયે ઉપલબ્ધ સીસ્મોગ્રાફ સાધનો દ્વારા ભૂમધ્યરેખા નજીક એટલાન્ટિક મહાસાગરની નીચે આ કંપનો નોંધાયા હતા. ખાસ વાત એ હતી કે આ કંપનો કોઈ મોટા ભૂકંપ જેવા તીવ્ર નહોતા, પરંતુ અત્યંત નિયમિત અને સતત આવતા હતા, જાણે પૃથ્વી પોતે એક મેટ્રોનોમની જેમ ધબકે છે.
જાણકારોના જણાવ્યા અનુસાર, આ કંપનો ખાસ કરીને શાંત અને સ્વચ્છ વાતાવરણ દરમિયાન વધુ સ્પષ્ટ રીતે નોંધાતા હતા. તોફાની હવામાન કે ભારે આબોહવામાં તે દબાઈ જતા હોવાનું માનવામાં આવતું. તે સમયના સંશોધન સાધનો મર્યાદિત હોવાથી આ કંપનોના મૂળ કારણ સુધી પહોંચવું મુશ્કેલ હતું. છતાં વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી આ ડેટા એકત્ર કરવાનું ચાલુ રાખ્યું.
સમય જતાં, આધુનિક ટેકનોલોજી અને અદ્યતન સીસ્મિક સાધનો ઉપલબ્ધ થયા, પરંતુ છતાં પણ આ રહસ્યનો સંપૂર્ણ ઉકેલ મળી શક્યો નથી. કેટલાક સંશોધકો માને છે કે આ કંપનો દરિયાના ઊંડાણમાં થતા મોજાના અથડામણના કારણે ઊભા થાય છે, તો કેટલાક તેને ટેક્ટોનિક પ્લેટોની અતિસૂક્ષ્મ હલનચલન સાથે જોડે છે. બીજી તરફ, કેટલાક વૈજ્ઞાનિકો આ કંપનોને ધરતીના આંતરિક મેન્ટલ ભાગમાં થતા દબાણ અને ઊર્જાના વિસર્જન તરીકે જોવે છે.
કેટલાક સંશોધકો દ્વારા આ કંપનોને કોઈ મોટા ભૂકંપની શરૂઆતના સંકેત તરીકે પણ જોવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી એવો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી કે આ કંપનો કોઈ મોટી કુદરતી દુર્ઘટનાનો સીધો સંકેત છે. આ કારણે કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાની તપાસ અટકાવી દીધી, તો બીજી તરફ ઘણા સંશોધકો આજે પણ આ પર સતત અભ્યાસ કરી રહ્યા છે.
ભૂગોળશાસ્ત્રીઓ અને ભૂકંપવિજ્ઞાનીઓ એક વાત પર સહમત છે કે આ કંપનો કુદરતી છે અને પૃથ્વીની આંતરિક પ્રક્રિયાનો જ એક ભાગ છે. જોકે તેને પૃથ્વીના ધબકારા માનવા, આંતરિક દોલન ગણવા કે ભવિષ્યની કોઈ ચેતવણી તરીકે જોવું — એ અંગે હજી સુધી વૈજ્ઞાનિક જગતમાં એકમત નથી.
છ દાયકાથી વધુ સમયથી એકત્ર થયેલ આ ડેટા આજે પણ સંશોધકો માટે મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ભવિષ્યમાં વધુ આધુનિક સાધનો અને વૈશ્વિક સહકાર દ્વારા પૃથ્વીના આ રહસ્યમય કંપનો પાછળનું સાચું કારણ ચોક્કસપણે સામે આવશે.



15-Dec-2025