સોરઠનાં 145 ગામનાં 19,838 લોકોનું સ્થળાંતર
જૂનાગઢ, વેરાવળ, ઊના, સુત્રાપાડા : હવામાન વિભાગની આગામી મુજબ, તાઉતે વાવાઝોડું આવતીકાલ તા. 17 મે ના રોજ મોડી સાંજે ઊના નજીકના સમુદ્રતટે ટકરાવાની શક્યતા છે. પરિણામે પવનની ગતિ 150 કિમીની રહેશે અને દરિયામાં 3 મીટર ઉંચા મોજાં ઉછળવાની પણ શક્યતા છે. ગિર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની સંભાવનાને પગલે દરિયાકાંઠાથી 1 કિમીની ત્રિજીયામાં રહેતા 3073 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે, દરિયાકિનારાથી 10 કિમીની ત્રિજીયામાં આવતા 99 ગામોને એલર્ટ કરી દેવાયા છે. જેમાં વેરાવળ તાલુકાના 28, સુત્રાપાડા તાલુકાના 17, કોડીનાર તાલુકાના 20 અને ઊના તાલુકાના 34 ગામોનો સમાવેશ થાય છે. જેમના સ્થળાંતર કરી દેવાયા છે તેમાં વેરાવળ તાલુકાના 332, સુત્રાપાડા તાલુકાના 328, કોડીનાર તાલુકાના 671 અને ઊના તાલુકાના 1742 લોકોનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે વધુ લોકોનું સ્થળાંતર પણ કરાશે. વેરાવળ અને માંગરોળ બંદરે 4 નંબરનું સિંગ્નલ લગાવાયું હતું.
વાવાઝોડાને લઇ પોરબંદરથી 20 દર્દીને સારવાર માટે જૂનાગઢ લાવવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, હાલ ખાસ કરીને દરિયાકાંઠાના ગામો પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે પોરબંદર સિવીલના આઇસીયુમાંથી 20 દર્દીઓને જૂનાગઢ સિવીલમાં સારવાર માટે લાવવામાં આવશે જેના માટે તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઇ છે. દરમિયાન જરૂર પડ્યે ગિર સોમનાથ-વેરાવળની સિવીલમાંથી પણ આઇસીયુમાં રહેલા દર્દીને લાવવાના થશેતો તેના માટે પણ જૂનાગઢ સિવીલમાં વધારાની વ્યવસ્થા ઉભી કરાશે.
વેરાવળ | વેરાવળ તાલુકાના ડારી, આદ્રી, નવાપરા અને સીડોકર ગામની ટીડીઓ ટી. બી. ઠક્કર, નાયબ મામલતદાર ખેર અને તેની ટીમે મુલાકાત લીધી હતી. આ ટીમે દરિયાકાંઠાના ગામો અને ઝુંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઈ લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપી હતી. અને સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે તેમને અનુરોધ કર્યો હતો.
માંગરોળ-માળિયા તાલુકાના 47 ગામોના 6234 લોકોનું સ્થળાંતર, સુત્રાપાડા તાલુકામાં દરિયાઈ કિનારે કાચા મકાનો ખાલી કરાવાયા, કોડીનારના 8 ગામના સ્થળાંતર કરેલા લોકોનો કોરોના ટેસ્ટ કરાયો, વાવાજોડું ત્રાટકે તો માળિયામાં કેરીના બગીચાવાળાને ભારે નુકસાન, માંગરોળ દરિયાકાંઠે 200 મકાનો ખાલી કરાવવા તજવીજ શરૂ કરી દેવાઈ છે.
દરિયાકાંઠે 10 સિંહોનો વસવાટ છે. ઊનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 2-3 ના ગૃપોમાં 10 સિંહોનો વસવાટ છે. આથી તેની સલામતી માટે વનવિભાગ ખાસ નજર રાખી રહ્યું છે.
વાવાઝોડામાં તકેદારીના પગલા
} જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
} રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
} વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
} વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
} વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
} દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
} વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
} માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
} અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
} ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
}વાવાઝોડા બાદબચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
} વાવાઝોડા પહેલા અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024