રંગારંગ ઉદઘાટન સમારોહ સાથે ટોક્યો ગેમ્સનો પ્રારંભ

24-Jul-2021

ટોક્યો : કોરોનો રોગચાળાના ભય વચ્ચે એક વર્ષની રાહ જોવડાવ્યા પછી શુક્રવારે 32મી ઓલિમ્પિક ગેમ્સની જાપાની સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક દાખવતા રંગારંગ છતાં લોકોના શોરબકોર કોર્વિના ઉદઘાટન સમારોહની સાથે શરૂઆત થઇ હતી. એક મહિના પહેલા ઓલિમ્પિક્સ દરમિયાન કોરોનાવાયરસનો ફેલાવો થવાની ચિંતા વ્યક્ત કરનારા જાપાનના સમ્રાટ નારૂહિતો ગેમ્સનું ઉદ્દઘાટન કરવા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેક્ષકોની ગેરહાજરીમાં આયોજિત થયેલા ગેમ્સના ઉદ્દઘાટન સમારોહમાં પણ લાગણીઓના મોજાઓ ઉઠતા દેખાયા હતા. 68 હજારની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં વૈશ્વિક નેતાઓ સહિત કુલ 950 વીઆઇપી હાજર રહ્યા હતા અને પ્રેક્ષકો ગેરહાજર હતા છતાં 10,000 વ્યક્તિઓએ અલગઅલગ ભૂમિકા ભજવી હતી. ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ ઓલિમ્પિક મશાલ પ્રગટાવી હતી. સમારોહમાં ઓલિમ્પિકની 50 રમતોના ચિહ્નો સુંદર લાઇટિંગ દ્વારા પ્રદર્શિત કરાયા હતા.

 

રોગચાળાને કારણે તમામ દેશના ઓછા ખેલાડીઓએ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો, તો કેટલાક ખેલાડીઓની બીજા દિવસે સ્પર્ધા હોવાથી તેઓએ રોગચાળાના ચેપથી બચવા માટે સમારોહમાં ભાગ નહોતો લીધો.

માર્ચ પાસ્ટની શરૂઆત હંમેશની જેમ જ્યાં પ્રથમવાર ઓલિમ્પિક્સનું આયોજન કરાયું હતું કે ગ્રીસ દ્વારા કરવામાં આવી હતી. જાપાની આલ્ફાબેટ પ્રમાણે ભારતીય ટીમ 21મા ક્રમે માર્ચ પાસ્ટમાં આવી હતી. ભારતીય ટુકડીની આગેવાની હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વારની વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર એમસી મેરીકોમે હાથમાં ત્રિરંગો લહેરાવતા સંભાળી હતી. તેમની સાથે ભારતના અન્ય ખેલાડીઓ તેમજ છ અધિકારીઓ જોડાયા હતા.

ઉદ્દઘાટન સમારોહને પ્રત્યક્ષ નિહાળવા માટે 1000થી વધુ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઇડનનો પણ સમાવેશ થતો હતો. સમરોહની શરૂઆત ટોક્યો 2020ના પ્રતિકને દર્શાવવા માટે 20 સેકન્ડ સુધી બ્લ્યુ અને સફેદ રંગની આતશબાજી સાથે કરવામાં આવી હતી, જેને જાપાની સંસ્કૃતિમાં શુભ ગણવામાં આવે છે.

Author : Gujaratenews