200 કરોડનું સામ્રાજ્ય ધરાવતા સુરતના બિલ્ડરનો ફાર્મહાઉસમાં ફાંસો, વેલંજા નજીકના શેખપુરનાં ફાર્મ હાઉસમાં જીવતર ટુંકાવ્યું, ઘટના સ્થળેથી ચાર પાનાની સુસાઇડ નોટ મળી

08-May-2021

સુરત : સુરતમાં આશરે 200 કરોડના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ઉપરાંત જમીનની મિલકત ધરાવતા સરથાણાના બિલ્ડરે લેણદારોના ત્રાસને કારણે કામરેજ તાલુકાના શેખપુર ખાતે આવેલા ફાર્મહાઉસમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે તેમના સાથી મિત્ર પ્રવિણ ભાલાળાનું કહેવું છે કે તેમણે છેલ્લે મને ફોન કર્યો હતો પરંતુ ફોન ન ઉઠાવી શકતા વાત થઈ ન હતી. મને એવું લાગે છે કે તેઓએ મને કઇક કહેવા માટે ફોન કર્યો હતો. અગાઉ પણ તેઓ આવું પગલું ભરવાની વાત કરતા હતા પરંતુ અમે તેને ત્યારે જિંદગી છે, ચાલ્યા કરે તેવું સમજાવીને સાંત્વના આપતા હતા પરંતુ તેમણે અચાનક જ પગલું ભરી લીધું હતું. તેમની પાસે મિલકતો પણ દેવું ચુકવાઇ જાય એટલી હતી પરંતુ મારવેલા પ્રોજેક્ટ ભારે નુકસાન થયું હોવાથી લેણદારોના ત્રાસથી પગલું ભરી લીધું હતું. મારુ માનવું છે લેણદારોને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.

સરથાણા જકાતાનાકાની ભુરખીયાધામ સોસાયટીમાં રહેતા અને 57 વર્ષના રતિલાલ નાથાભાઇ પાનસુરિયા (ગામ. છોડવડી તા. ભેંસાણ જિ. જૂનાગઢ) બિલ્ડર હતા. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ઉછીના રૂપિયા લીધા હતા. પરંતુ પહેલુ લોકડાઉન અને હાલમાં રિયલ એસ્ટેટમાં ભયંકર મંદી હોવાને કારણે સંકડામણ રહેતી હતી. લેવડ દેવડ કરેલ રૂપિયા ચુકવી શકતા ન હોય જેથી માનસિક તણાવ અનુભવતા હતા. ગત તા. 6નાં રોજ પોતાના ભુરખિયાધામ સ્થિત ઘરેથી નીકળી શેખપુર ગામે ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ લીધો હતો. પુત્ર ગૌરવ પાનસુરિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આત્મહત્યા એવા સમયે કરી જ્યારે ફાર્મ હાઉસનો નોકર બહાર ગયો
આપઘાતના સમયે ફાર્મમાં રહેતા નોકર બહાર હતો. બાદ ઘરે આવતા રતિલાલને લટકતા જોયા હતાં. ત્યારબાદ પરિજનોને જાણ કરી હતી.

સ્યુસાઈડ નોટમાં 3-4 વ્યક્તિ સાથે લેવડ દેવડનો ઉલ્લેખ
રતિલાલ પાનસુરિયાએ આત્મહત્યા કરી હોવાની જાણ પરિવારને થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને 4 પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. જે સ્યુસાઈડ નોટમાં 3-4 વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ દેવડનો ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળેલ છે. જોકે, પોલીસે સ્યુસાઈડ નોટ જાહેર કરી નથી.

પરિવારે લેણદારો સામે ફરિયાદ કરવા ઈન્કાર કર્યો
સુરતના બિલ્ડર દ્વારા આત્મહત્યા કરવાની ઘટનામાં પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઈડ નોટ મળી હતી. જે નોટમાં 3-4 વ્યક્તિનો લેવડ દેવડ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. જે અંગે પોલીસે પરિવારને જાણ કરી હતી. પરિવાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો છે.

શેખપુર ખાતેનું ફાર્મ હાઉસ પણ લેણદારે લખાવી લીધું છે
બિલ્ડર રતિલાલ પાનસુરીયાનુ કામરેજ તાલુકાના શેખપુર ગામે આવેલ સર્વે નંબર-૨૬૧ વાળી જમીન પર પોતાનું ફાર્મ હાઉસ આવેલું હોય. ત્યારે તેમની પાસે રૂપિયા માંગતા કેટલાક ઇસમોએ તેમનું હાઉસ પોતાના નામે લખવી લીધું હોવાનું પણ કહેવાય છે. ત્યારે પ્રોજેક્ટ બંધ થવા સાથે પોતાની મિલ્કત પણ રૂપિયા મંગતા લોકોએ લખવી લેતા તેઓ વધારે માનસિક તણાવમાં હતા.

સ્યુસાઇડ નોટ અગત્યનો પુરાવો, કેટલાકના નામ જેમાંથી ખુલે તેમ છે
આર્થિક સંકડામણમાં આવીને બિલ્ડરે દેવાદાર બનતા આપઘાત કરી અંતિમ પગલું ભર્યું તે પહેલા રૂપિયાની લેતી દેતી માટે કેટલાક જાણીતા નામો લખી સ્યુસાઇડ નોટ લખી છે. આ સ્યુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જાણવા મળ્યું છે  કે તેમાં તેમણે કેટલાક લોકોના નામ પણ લખ્યા છે, જેઓ પાસે તેમણે રૂપિયા લેવાના છે ત્યારે સ્યુસાઇડ નોટ પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો છે સાથે તપાસમાં અનેક નામ ખુલે તેમ છે.

Author : Gujaratenews