નવી દિલ્હી :દેશમાં કોરોનાની મહામારીમાં મોટાપાયે જાનહાની થઈ છે. અનેક બાળકો અનાથ થયા છે અને પરિવારજનોએ ઘરની એકમાત્ર કમાતી વ્યક્તિ ગુમાવી છે ત્યારે આ લોકોની જવાબદારી નિભાવવા માટે કેન્દ્ર સરકાર આગળ આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ યોજાયેલી હાઈલેવલની બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવયો હતો. વડા પ્રધાને આ બેઠકમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે જે બાળકો અનાથ થયા છે તે તમામની જવાબદારી હવે કેન્દ્ર સરકાર દ્વારા નિર્વાહ કરવામાં આવશે. જે બાળકો કોરોનાના કારણે અનાથ થયા છે તેમને ૧૮ વર્ષની ઉંમર થતાં જ ફેમિલિ સ્ટાઈપેન્ડ અપાશે તથા ૨૩ વર્ષની ઉંમર થતાં તેમને સરકાર દ્વારા ૧૦ લાખની રકમ આપવામાં આવશે. આ તમામ ખર્ચ પીએમ કેર ફંડમાંથી કરવામાં આવશે. તે ઉપરાંત આ બાળકોને અભ્યાસ મળી રહે તે માટે પણ સરકાર દ્વારા સંબંધિત મંત્રાલયોને આદેશ આપી દેવાયા છે. આ બાળકોને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકાર લોનની વ્યવસ્થા કરી આપશે અને આ લોન ઉપરના વ્યાજની ચૂકવણી પીએમ કેર ફંડમાંથી કરવામાં આવશે.
બેઠકમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, બાળકો આપણે દેશનું ભવિષ્ય છે અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે, તેમને સુરક્ષા પૂરી પાડવા માટે અમે બધું જ કરી છુટીશું. દેશના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને વિકસાવવા અમે પ્રતિબદ્ધ છીએ. આપણા દેશના ઉજ્જવળ ભાવી માટે આ બાળકોના ભવિષ્યને પણ ઓજસ્વી બનાવવું પડશે અને એક સમાજ તરીકે અને એક દેશ તરીકે એ આપણી પ્રાથમિક ફરજ છે. તેના કારણે જ પીએમ કેરના નેજા હેઠળ ચિલ્ડ્રન સ્કીમ દ્વારા બાળકોને શક્ય એટલી તમામ મદદ કરવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024