સુરતમાં પાલિકાની શાળામાં ધોરણ-11 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ વર્ષથી ધોરણ-11 અને ધોરણ-12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો
02-Jul-2021
SURAT : સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી ચાલુ શૈક્ષણિક સત્રથી સુમન હાઈસ્કૂલો (SUMAN HIGH SCHOOLS) માં ધોરણ-11 અને ત્યાર બાદ આગામી વર્ષથી ધોરણ-12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ધોરણ-11 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
SMC સંચાલિત સુમન હાઈસ્કૂલો (SUMAN HIGH SCHOOLS) માં ધોરણ 11 કુલ 24 વર્ગો શરૂ કરવામાં આવશે. આ 24 વર્ગોમાં ગુજરાતી, હિન્દી, મરાઠી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવશે. આ 24 વર્ગોમાં 22 વર્ગો ધોરણ-11 ગુજરાતી, મરાઠી અને હિંદી માધ્યમમાં તથા વિજ્ઞાન પ્રવાહના બે વર્ગો મરાઠી માધ્યમમાં શરૂ કરાશે.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ હવે વિદ્યાર્થીઓ તથા વાલીઓ ધોરણ-11 માં પ્રવેશ લેવા માટે દોડતા થયા છે. બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયું હોવાથી સ્વાભાવિક રીતે જ દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ-11માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં વધુ રહેશે. જો કે સુરત શહેરના વિદ્યાર્થીઓને આ બાબતે રાહતના સમાચાર છે.24 પૈકી ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહ ના વર્ગો શરૂ કરવાની શક્યતા હતી પરંતુ છેવટે મરાઠી માધ્યમની લિંબાયત સ્થિત સુમન હાઈસ્કૂલ નંબર 10 અને નંબર 11 માં વિજ્ઞાન પ્રવાહના બે વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુમન હાઈસ્કૂલો (SUMAN HIGH SCHOOLS) માં અગાઉ માત્ર ચાર શાળાઓમાં જ ફક્ત સામાન્ય પ્રવાહના ત્રણ માધ્યમમાં 14 વર્ગ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ સ્થાનિક નગરસેવકોની રજૂઆતને પગલે હવે વરાછા, કતારગામ,લિંબાયત, ઉધના અને રાંદેરની કુલ 12 સ્કૂલોમાં ધોરણ-11 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના 24 વર્ગો શરૂ કરવામાં આવશે.
SMC સંચાલિત તમામ સુમન હાઈસ્કૂલોમાં આજે 1 જુલાઈથી જ ધોરણ-11 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને પ્રવેશ ફોર્મ વિતરણ સહીતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. સુમન હાઈસ્કૂલોમાં અત્યાર સુધી ધોરણ-1 થી ધોરણ-10 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ-11-12 શરૂ કરવા માટે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરી ફરજિયાત છે. ધોરણ-11 ની મંજૂરી મેળવીને આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024