સરથાણાના મેરિટોન પ્લાઝામાં સ્પાના નામે ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ, સ્પા સંચાલક પારસ નડિયાપરાની ધરપકડ : ૩ લલના પણ મળી

03-Jul-2021

પ્રતિકાત્મક તસવીર.

સુરત | સુરત શહેર સ્પાના નામે દેહવેપાર કરવા માટેનું હબ બનતું જાય છે. નાના-મોટા આશરે ૨૦૦૦થી વધુ સુરતમાં ચાલી રહ્યા છે. શહેરમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો હતો. સરથાણા પોલીસે ડમી ગ્રાહક મોકલી મેરીટોન પ્લાઝામાં સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ચાલતા ગોરખધંધાને પકડી પાડ્યું હતું. પોલીસે ૩ લલનાને ડિટેઇન કરી સ્પા સંચાલકની ધરપકડ કરી હતી.

સરથાણા પોલીસ મથકનો સ્ટાફ પીઆઇ ગુર્જરના માર્ગદર્શન હેઠળ શુક્રવારે બપોરે પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઈ પઢિયારને બાતમી મળી હતી કે, સરથાણામાં સાવલિયા સર્કલ પાસે મેરીટોન પ્લાઝામાં પાંચમા માળે ચાલતા સ્પા એન્ડ મસાજ પાર્લરમાં દેહવિક્રયનો વેપલો ચાલી રહ્યો છે. સ્પા સંચાલક યુવતીઓને બહારથી બોલાવી ગ્રાહકોને શરીરસુખની સવલતો પૂરી પાડતો હોવાની પણ માહિતી મળી હતી. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલી આધુનિક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ડમી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં લલનાને પકડી પાડી હતી. આ સાથે પોલીસે આસામ, કોલકાતાની ૩ લલનાને ડિટેઇન કરી હતી. સાથોસાથ પોલીસે સ્પા સંચાલક પારસપ્રાગજીભાઈ નડિયાપરા (રહે. જૂની ચાવડ, વિસાવદર, જૂનાગઢ) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે સ્પામાંથી ૨ કોન્ડોમ તથા રોકડા રૂપિયા ૧ હજાર કબજે લીધા હતા. અહીં ગ્રાહક પાસે ૧ હજાર રૂપિયા વસૂલી થેરાપિસ્ટ કમ લલના સાથે શરીરસુખ માણવાની સવલત પૂરી પડાતી હતી. સંચાલક ૧ હજારમાંથી ૫૦૦ રૂપિયા લલનાને આપતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સરથાણા અને પુણા વિસ્તારમાંથી અગાઉ પણ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પકડાયા હતા. પીપલોદ અને વેસુમાં પણ સ્પાની આડમાં હાઈ પ્રોફાઈલ કૂટણખાના ધમધમી રહ્યા છે. પોલીસ અવારનવાર અહીં રેડ પાડી કાયદેસરની કાર્યવાહી પણ કરે છે.

Author : Gujaratenews