સ્પેને લોકડાઉન ઉઠાવતાં જ લોકોએ કર્યું સેલિબ્રેશન

11-May-2021

બાર્સેલોનામાં પણ યુવાનો તથા વયસ્કો શહેરના સ્કવેરમાં તથા સમુદ્રકાંઠે મહાલવા માટે ઉમટી પડયા હતા.

સ્પેન : અનેક દેશોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે ગણ્યાં ગાંઠ્યા દેશોએ રસીકરણ થઈ ગયેલા લોકોને અમુક સ્થિતિમાં માસ્ક વગર પહેરવાની છૂટ આપી છે. આ દરમિયાન સ્પેનમાં લોકડાઉન હટતાં જ શેરીઓમાં ઉજવણી કરવા માટે નીકળી પડયા હતા. સ્પેનમાં રવિવારથી જ સ્થાનિક રેસ્ટોરાંઓમાં ડિનર પીરસવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં લોકો હવે રાત્રે અગિયાર વાગ્યા સુધી મોજ કરી શકે છે. પણ દરેક ટેબલ પર ચાર જણા જ બેસી શકે તેવી લિમિટ અમલમાં છે. જ્યારે રેસ્ટોરાંની અંદર ક્ષમતા કરતાં ૩૦ ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલી ઇમરજન્સી અને નાઇટ કરફ્યુનો છ મહિના બાદ શનિવારે મધરાતે અંત આવતાં લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. માડ્રીડમાં પોલીસે સહેલાણીઓને શહેરની મધ્યમાં આવેલાં સેન્ટ્રલ પુર્તા ડેલ સોલ સ્કવેરમાં એકત્ર કર્યા હતા જ્યાં લોકોએ માસ્ક પહેર્યા વિના ડાન્સ કર્યા હતા અને સાથે મળીને ગીતો ગાયા હતા.
બાર્સેલોનામાં પણ યુવાનો તથા વયસ્કો શહેરના સ્કવેરમાં તથા સમુદ્રકાંઠે મહાલવા માટે ઉમટી પડયા હતા. બાર્સેલોનાના એક રહેવાસી જણાવ્યું હતું કે આખરે કોરોનાના લોકડાઉનમાંથી મુક્તિ મળી છે. આમ તો ડર લાગે છે પણ હું મારા મિત્રોની જેમ મોજ માણવા માગું છું. જુઆનને આશા છે કે તે હવે ફરી મિશેલિન સ્ટાર રેસ્ટોરામાં ફરી નોકરી કરવા જઇ શકશે. જે છેલ્લા સાત મહિનાથી બંધ હતી.

લોકોએ ગેલમાં આવી જઇ મોટાપાયે નિયંત્રણોનો ભંગ કરતાં માડ્રીડમાં પોલીસને ૪૫૦ જેટલા બનાવોમાં હસ્તક્ષેપ કરવો પડયો હતો. સ્થાનિક મેયરનુ કહેવું હતું કે, કોરોના ઇમરજન્સીમાંથી મુક્તિ એટલે આખી રાત શેરીઓમાં ફરીને દારૂની પાર્ટી કરવી એવો અર્થ નથી થતો. શહેરની શેરીઓમાં દારૂ પીને ધમાલ કરવા દેવાની પરવાનગી નથી. મેયર જોસે લુઇ માર્ટિનેઝ-અલમેડાએ લોકોને જવાબદારી પૂર્વક વર્તન કરવાની અપીલ કરી હતી.

Author : Gujaratenews