૧થી ૫ના વર્ગો દિવાળી પછી શરૂ થશે, ૧લી ઓગસ્ટથી શાળાઓમાં ધો.૬થી ૮ના વર્ગો શરૂ કરવા તૈયારી

29-Jul-2021

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતાં જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 9થી12 અને કોલેજોમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, જોકે નાના ભૂલકાંના ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, એ જોતાં ધોરણ 1થી 5ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે. શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે.બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવામાં આવશે.. સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણપ્રધાને જણાવ્યું હતું.

શિક્ષણપ્રધાને આપેલા સંકેત મુજબ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 6થી ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈ જોખમ લેવા તૈયાર નથી, જેથી દિવાળી પછી નાનાં ભૂલકાંનું શિક્ષણકાર્ય શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે એમાં 50 ટકા કેપિસિટી સાથે ઓડ-ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર આ અંગે શિક્ષણપ્રધાન આગામી સમયમાં જાહેરાત કરી શકે છે.

Author : Gujaratenews