જગપ્રસિદ્ધ આજતકના ન્યૂઝ એન્કર રોહીત સરદાનાનું કોરોનાની સારવાર સમયે હાર્ટ એટેકથી મોત, પત્રકાર રોહિત સરદાનાના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ, તેમનું નિધન પત્રકારીતા જગત માટે મોટી ક્ષતિ છે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

30-Apr-2021

દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે આજે પત્રકાર જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ, અનુભવી એન્કર અને પત્રકાર રોહિત સરદાનાનું 42 વર્ષની વયે, આજે સવારે હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું, તેઓને ગત અઠવાડિયે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેઓ ઘરે જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ગત રાત્રે તેમની તબિયત લથડતા, સવારે 4 વાગ્યાના સુમારે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમણે જીવ ગુમાવ્યો હતો.


રોહિત સરદાનાના મૃત્યુથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ સમાચાર અંગે સોશિયલ મીડિયા પર તેમના પત્રકાર મિત્ર સુધીર ચૌધરીએ માહિતી આપી હતી. આગવી અને અનોખી સ્ટાઈલથી પત્રકારત્વ અને એન્કરીંગ કરતા, રોહિત સરદાનાએ વર્ષ 2004 થી મીડિયા ક્ષેત્રે એક્ટિવ હતા. શિવરાજ સિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, અરવિદ કેજરીવાલ, બાબુલ સુપ્રિયો, તેજસ્વી યાદવ, ગૃહમંત્રી અમિત શાહ જેવા વરિષ્ઠ પોલિટિશિયન અને મીડિયા જગતના લોકોએ તેમના અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.પત્રકાર રોહિત સરદાનાના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ, તેમનું નિધન પત્રકારીતા જગત માટે મોટી ક્ષતિ છે તેમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે.


કોરોનાની બીજી લહેરમાં પણ રોહિત સરદાના હજારો લોકોની મદદ કરી રહ્યા હતા. લોકો માટે દવા, ઈન્જેક્શન અને ઓક્સિજનની વ્યવસ્થા કરતા હતા. ફક્ત 42 વર્ષની ઉંમરે રોહિત સરદાનનું નિધન થતા, સોશિયલ મીડિયા પર લોકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે.
 

Author : Gujaratenews