વૃદ્ધાશ્રમોમાં માતા-પિતાને મૂકી આવનારાઓનાં સમયમાં ત્રેસઠ સભ્યોનો બહોળો પરિવાર ધરાવતાં 105 વર્ષનાં સુપરદાદી તરીકે પ્રખ્યાત રળિયાતબેન સાચપરાનું જીવતે જગતિયું એવમ માતૃવંદના કાર્યક્રમ.
આખો સાગર નાનો લાગે છે, જ્યારે ‘મ’ને કાનો લાગે છે
સ્વામી 1008 મહામંડલેશ્વર જગદીશાનંદસાગરજી મહારાજની પ્રેરક ઉપસ્થિતીમાં વૃંદાવન ફાર્મ, સુરત ખાતે યોજાયો હતો. સ્વભાવે હસમુખા અને મળતાવડા રળિયાત બા જેમણે આજ સુધી ચાર પેઢીને એક તાંતણે બાંધી રાખી છે તે માતાની ઈચ્છા તેમના પરિવારે પૂરી કરી હતી. જે અંતર્ગત તેમની હયાતીમાં જ દીકરીઓ, વહુઓ, પૌત્રવધૂઓ અને ભાણેજને ભેટ- પહેરામણી કરી તેમજ સગા સંબંધી સ્નેહીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ માટે સૌરાષ્ટ્ર અને મુંબઈ થી પરિવાર સભ્યો પધાર્યા હતા. આમંત્રણ પત્રિકામાં માતાની મહત્તા અંગેના કાવ્યો અને લખાણ પણ લખાવવામાં આવ્યું હતું.
જીવતે જગતિયું અર્થાત જે વિધિ તેની હયાતી ના રહ્યા બાદ કરાતી હોય છે એ જ વિધિ તેની હાજરીમાં સાક્ષાત કરવામાં આવે છે. શાસ્ત્રમાં આ વિધિનો ઉલ્લેખ જીવિત મહોત્સવ તરીકે કરેલ છે. આમાં વ્યક્તિ કોઈ સારા શુકનવંતા દિવસે પોતાના હાથે જ પંડિતની હાજરીમાં પૂજા-અર્ચના સાથે વિધિ કરવામાં આવે છે. સગા સંબંધી અને સ્નેહીજનોને પોતાના હાથે જ દાન-પુણ્ય કરે છે. આ વિધિ અંતર્ગત સાચપરા પરિવાર દ્વારા રળિયાત બા ના હસ્તે જ જીવતા જગતિયામાં આવનારા સ્નેહીજનો-સગાઓને દાન-ભેટ અર્પણ કરાયા હતા. પ્રપૌત્ર દ્વારા એમની દિકરીઓનું પૂજન કરી પરિવારમાં દિકરીનું મહત્વ કેટલું છે એનો સંદેશ સમાજને આપ્યો હતો.
ગયા વર્ષે રળિયાત બા ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો કોરોનાકાળમાં કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવતાં જ અમુક લોકો જાણે જીંદગીથી જ હાથ ધોઇ બેઠા હોય એમ વર્તતા હતા ત્યારે યુવાનોને પણ શરમાવે એવો જુસ્સો ધરાવનાર રળિયાત બા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરીને કોરોના સામે પ્રેરણાદાયક જીત મેળવી હતી. પ્રપૌત્ર સાથે મોજમસ્તી કરતાં આ પરદાદીને ક્યારેય ઉંમરના સીમાડા નડતાં નથી. રોટલો, છાશ ને મરચાં એ જ એમનો પ્રિયમાં પ્રિય ખોરાક. આટલી ઉંમરે પણ તેમને ચશ્માં કે કાનમાં મશીન નથી. પહેલેથી જ એમણે એટલી કાળજી રાખી છે કે આટલી ઉંમરે પણ શરીરમાં એક રોગ નથી. પ્રભુભજન ગાવા અને ભક્તિ કરવી એ તેમને ખૂબ જ પ્રિય છે.
માં એટલે મૂંગા આશીર્વાદ, માં એટલે વ્હાલ તણો વરસાદ,
માં એટલે અમૃત ભર્યો દરિયો, માં એટલે દેવ ફરી અવતરીયો,
આ નાતે માતૃવંદના અવસર એટલે જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન, પ્રેમ, સમર્પણને યાદગાર કરી માનું ઋણ સ્વીકારી એના ચરણોમાં વંદના કરવાનો અનેરો અવસર. સાચપરા પરિવાર દ્વારા ઉજવાયેલ 'જીવતે જગતિયું' - માતૃવંદના કાર્યક્રમ માતા-પિતાને ધુત્કારી કાઢનાર દીકરાઓ માટે એક આંખ ખોલનાર પ્રસંગ બની રહેશે. રળીયાત બા ના સુપુત્ર વશરામભાઈ સાચપરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ જગતમાં માતા-પિતા સમાન કોઈ દેવ નથી. માતાની ઈચ્છા હતી કે 'હાથે એ સાથે' એ મુજબ જીવતા જ બધાને દાન કરવું છે. જે ઈચ્છા અમે સૌ પરિવારજનોએ પૂર્ણ કરી. ખરેખર, ધન્ય છે તે વડીલોને કે જે પોતાની હયાતીમાં જ પોતાની અંતિમવિધિ કરીને આત્મસંતોષ મેળવી સ્વર્ગે સંચરે છે. જીવતે જગતિયું મહોત્સવ કરવા પાછળ લોકોનો ઉદ્દેશ્ય કૈક એવો હોય છે કે, પોતાની પાછળ કોઈ રોકકળ ના થાય. તેમજ તેમની હાજરીમાં તમામ ધાર્મિક ક્રિયાઓ સંપન્ન થાય. આ કાર્યક્રમ ભજન, કીર્તન, સત્સંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં થયો હતો. સાચપરા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025