કેનેડામાં બંધ પડેલી શાળામાંથી 182 બાળકોની કબર મળી, વ્યાપક હિંસાથી દેશભરમાં રોષનો માહોલ

02-Jul-2021

કેનેડાની એક વધુ બંધ પડેલી શાળામાંથી વધુ ૧૮૨ કબર મળી આવતાં દેશમાં શોક અને રોષનો માહોલ છે. બુધવારે બે કેથલિક ચર્ચને આગ ચાંપી દેવામાં આવી હતી. રડાર મેપિંગની મદદથી આ કબરો મળી આવી છે. એવું મનાઇ રહ્યું છે કે બ્રિટિશ કોલંબિયાના ક્રેનબ્રુક નજીક ભૂતકાળમાં આવેલી સેન્ટ ઇયુજીન્સ મિશન સ્કૂલના સંકુલમાંથી ૭થી ૧૫ વર્ષનાં બાળકોના અવશેષો મળી આવ્યા છે. ૧૯૧૨થી ૧૯૭૦ સુધી કેથલિક સ્કૂલ સરકાર વતી આ શાળાનું સંચાલન કરતું હતું.

મૂળ નિવાસીઓ માટે બનેલી શાળાઓના સંકુલમાંથી બાળકોની કબર મળી આવ્યાની આ ત્રીજી ઘટના છે. આ પહેલાં મે મહિનામાં બ્રિટિશ કોલંબિયામાંથી જ ભૂતપૂર્વ કામલુપ નિવાસી શાળામાંથી ૨૧૫ બાળકોની કબર મળી આવી હતી. ગયા સપ્તાહે સસ્કાન્ચેવાનના મેરિવેલ ખાતેથી ૭૫૧ કબરો મળી આવી હતી. આ કબરો મળ્યા પછી આ શાળામાં બાળકોનું ઉત્પીડન થતું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. વધુ કબરો મળી આવતાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે કેનેડાનો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવવા આદેશ થયા છે. કેનેડાના મૂળ નિવાસી કહેવાતા આદિવાસી સમુદાયના લોકોની કબરો આવનારા દિવસોમાં રાજકીય મુદ્દો પણ બની શકે છે.

કબરો મળી આવવાની આ ઘટના વિષે વડા પ્રધાન ટ્રુડો જસ્ટિને જણાવ્યું હતું કે આવી ઘટનાઓ વિશે બોલવા કોઇ શબ્દ બચ્યા નથી.આજે મળેલી કબરોએ સંખ્યાને વધારી દીધી છે. કેનેડાની નિવાસી શાળાઓમાં આટલી મોટી સંખ્યામાં કબરો મળવાની ઘટના ચિંતાજનક છે. આવી ઘટના સામે આપતાં શબ્દ ખૂટી જાય છે. મેં દેશના ૧૫૪મા સ્થાપના દિવસે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવવા ફરમાન કર્યું છે. તે બાળકોના જીવને ખૂબ પહેલાં છીનવી લેવામાં આવ્યું હતું.

અનેક પ્રાંતમાં કેનેડા ડેની ઉજવણી નહીં થાય: કેનેડા ડે પ્રસંગે કબરો મળી આવવાના અહેવાલ આવતાં દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દેશના સંખ્યાબંધ પ્રાંતમાં કેનેડા ડે પ્રસંગે કોઇપણ પ્રકારની ઉજવણી નહીં થાય. સતત બીજા વર્ષે કેનેડા ડેની ઉજવણી નથી થવા જઇ રહી. ગયા વર્ષે કોરોના સંકટને કારણે કેનેડા ડેની ઉજવણી નહોતી થઇ.

Author : Gujaratenews