વરાછામાં યોજાયેલા પ્રદર્શનમાં મહિલા સ્ટોલધારકોએ ફક્ત બે દિવસમાં કર્યો 9 લાખનો વેપાર
Surat :મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વરાછામાં યોજાયેલા એક પહેલ..એક પ્રયાસ...કાર્યક્રમે અણધારી સફળતા હાંસલ કરી છે. કાર્યક્રમના અંતે તમામ સ્ટોલ ધારકોને 1,100 રૂપિયા દાન પેટે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત હરેક્રિષ્ના એકસ્પોર્ટના હિંમતભાઈ ધોળકીયા દ્વારા સ્ટોલધારકોમાંની 11 વિધવા મહિલાઓને પ્રોત્સાહન સ્વરૂપે તમામને 21,000નો ચેક અર્પણ કરાયો હતો. તમામ સ્ટોલ ધારકોએ બે દિવસના પ્રદર્શનમાં ધાર્યા કરતા પણ વધારે વકરો કર્યો હતો. સંસ્થાની ગણતરી પ્રમાણે 77 સ્ટોલધારકોએ બે દિવસમાં 8,93,000 કિંમતનો વેપાર કર્યો હતો.
આ પ્રદર્શનમાં રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલા રાખીમેલામાં રાખડીઓનું ધૂમ વેચાણ થયું હતું. 20 જેટલા રાખડીઓના સ્ટોલધારકોએ બે દિવસમાં 2 લાખથી વધુ રાખડીઓનો વેપાર કર્યો હતો. એક આંકડા પ્રમાણે બે દિવસ દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં શનિવારે 1300 લોકોએ તો રવિવારે 3300 લોકોએ મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનમાં 20 ઇન્ટરનેન્ટલ વાનગીઓ 200 બહેનોને વિનામુલ્યે શીખવાડવામાં આવી હતી, મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ દાઢી અને DICFના પ્રમુખ નિલેશભાઈ બોડકીએ જણાવ્યું હતું કે આ તમામ મહિલાઓ આત્મનિર્ભર તો છે જ. આ પ્રદર્શન મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નહીં પણ તેમને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવ્યું છે. વધારેમાં વધારે ગૃહઉદ્યોગ કરતી મહિલાઓ બહાર આવી આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે જેથી બીજી મહિલાઓને પણ પોતાના વ્યવસાયનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળે એવા પ્રયાસ સાથે આ અનોખી પહેલ છે સાથે જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ અમે મહિલાઓ માટે ફરી એક વખત આ પ્રકારના પ્રદર્શનની જાહેરાત કરીશું.
20-Aug-2024