રાજકોટના રાજવી પરિવારનો વારસાઇ જમીન વિવાદ, મિલકત વિવાદમાં સગી બેને દાખલ કર્યો દાવો

20-Jul-2021

RAJKOT : રાજવી પરિવારના રાજા માંધાતાસિંહ દ્વારા 15 દિવસ પહેલા વારસાઇ જમીનને લઇને બહેન અંબાલાદેવીનું નામ કમી કરવા માટે કાચી નોંધ પડાવી હતી. જોકે આ નોંધ પર નોટિસ મળતા અંબાલાદેવીએ વાંધો ઉઠાવ્યો હતો. અને ડેપ્યુટી કલેક્ટર સમક્ષ તકરારી કેસ દાખલ કરતા રાજવી પરીવારનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે.

15 દિવસ પૂર્વે માંધાતાસિંહ જાડેજાએ સરધાર અને માધાપરની વારસાઇ જમીનમાં બહેન અંબાલાદેવીનો હક તેઓ જતો કરે છે તેવી કાચી નોંધ પાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેની પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તરપ્રદેશના ઝાંસી રહેતા અંબાલાદેવીને તેનો હક જતો કરવા અંગેની નોટીસ મળી હતી.

જે જોઇને અંબાલાદેવી ચોંકી ઉઠ્યા હતા અને તેના વકીલ કેતન એલ.સિંધીયા મારફતે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અંબાલાદેવીના સોગંદનામા સાથે પોતાનો તકરારી દાવો રજૂ કર્યો હતો. અને આ માન્ય ન હોવાનું કહ્યું હતું.

 

અંબાલાદેવીએ પોતાનો હક હોવાનો કર્યો દાવો

વારસાઇ મિલ્કતના હક અંગે દાખલ કરવામાં આવેલા તકરારી કેસમાં અંબાલાદેવીના વકીલે દાવો કર્યો હતો કે માંધાતાસિંહ પિતા મનોહરસિંહ જાડેજાની વારસાઇ જમીનનો વહીવટ પોતાની રીતે કરી રહ્યા છે. તકરારી કેસ દાખલ કર્યા બાદ પ્રથમ મુદ્દતમાં અંબાલાદેવીના વકીલ હાજર રહ્યા હતા. અને જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા.

 

જોકે માંધાતાસિંહ તરફથી કોઇ હાજર રહ્યું ન હતું,આગામી દિવસોમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં બંન્ને પક્ષકારોએ પોતાના માલિકી હક અંગેના પુરાવાઓ રજૂ કરવા પડશે.

 

પરિવારમાં કોઇ વિવાદ નથી : માંધાતાસિંહ

રાજવી માંધાતાસિંહે પરિવારમાં કોઇ વાદ વિવાદ ન હોવાનો દાવો કર્યો હતો. મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે પરિવારમાં વારસાઇ જમીનને લઇને કોઇ વિવાદ નથી. પિતા મનોહરસિંહ જાડેજાનું રજીસ્ટ્રર વસિયતનામું છે જેની પરિવાર વચ્ચે ચર્ચા પણ છે. જે લોકોને જે આપવાનું હતું તે આપી દીધું છે અને પરિવારજનોએ સહર્ષ સ્વીકારી લીધું છે. જેથી વિવાદનું કોઇ કારણ નથી. મિડીયામાં જે માહિતી આવી છે જે પાયાવિહોણી છે.

 

અગાઉ રાજવી પરિવારની મિલકત વિવાદમાં નનામી અરજીઓ થઇ

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજવી પરિવારની જમીનના વિવાદને લઇને છેલ્લા 1 વર્ષમાં અનેક અરજીઓ કરવામાં આવી છે. જોકે તેમાં કોઇ વ્યક્તિનું નામ, સરનામું કે ફોન નંબર લખેલા ન હતા. જેથી આ અંગે કોઇ કાર્યવાહી થઇ શકતી ન હતી. હવે જયારે આ વિવાદમાં માંધાતાસિંહના બહેને જ વાંધા અરજી રજૂ કરી છે. ત્યારે ફરી રાજવી પરિવારનો વારસાઇ જમીનને લઇને વિવાદ શરૂ થયો છે.

Author : Gujaratenews