રાજકોટમાં પતિએ પત્નીને ગુપ્ત ભાગે બચકા ભર્યા, અન્ય બનાવમાં રસોઇ મુદ્દે પત્ની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું
28-Jun-2021
રાજ્કોટ:શહેરની ભાગોળે આવેલા એક વિસ્તારમાં રહેતી 30 વર્ષની પરપ્રાંતીય મહિલાને તેના જ પતિએ મારકૂટ કરી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ પતિ સામે જ ફરિયાદ કરતા પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી.
ખોખડદળ નદીકાંઠા વિસ્તારમાં રહેતી 30 વર્ષની એક પરપ્રાંતીય પરિણીતાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પતિ છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતોમાં ઝઘડો કરી તેને મારકૂટ કરતો હતો, શનિવારે રાત્રે પતિએ રસોઇ બનાવવાના મામલે ઝઘડો શરૂ કર્યો હતો અને પત્નીને ઢોરમાર માર્યો હતો. પતિના મારથી મહિલા ગુમસુમ થઇ ગઇ હતી અને રાત્રે પતિ હેવાન બન્યો હતો.
મહિલાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાત્રે પતિએ ફરીથી માર મારીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ અને ત્યારબાદ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. પતિએ આપેલા અસહ્ય ત્રાસથી મહિલાએ ભયની સ્થિતિમાં આખીરાત વિતાવી હતી અને રવિવારે પોલીસમથકે જઇ આપવીતી વર્ણવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી તેના પતિ સામે આઇપીસી 376, 377 અને 323 હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો અને મહિલાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા કાલાવડ રોડ વિસ્તારની એક મહિલાએ પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે મહિલાએ પણ તેના પતિ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેનો પતિ દારૂ પી દરરોજ મારકૂટ કરતો હતો અને થોડા દિવસ પહેલા પતિએ હવે તું ગમતી નથી તેમ કહી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા બાદ ગુપ્તભાગે બચકાં ભર્યા હતા. મહિલાઓ પર તેના પતિ દ્વારા જ અત્યાચાર આચરવાના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.
20-Aug-2024