ગુજરાતમાં નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી માટે રણનીતિ તૈયાર કરનાર પ્રશાંત કિશોરનું પંજાબથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર પદેથી રાજીનામું

05-Aug-2021

ફાઈલ તસવીર: Indian political strategist પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રશાંત કિશોરે અમરિંદરને લખેલા પત્રમાં કહ્યું કે, હું સાર્વજનિક જીવનમાં સક્રિય રાજનીતિથી અસ્થાયી રીતે બ્રેક ઇચ્છું છું. આ કારણે હું તમારા મુખ્ય સલાહકાર પદની જવાબદારી ના ઉઠાવી શકું. ભવિષ્યમાં મારે શું કરવાનું છે એ મારે અત્યારે નક્કી કરવાનું બાકી છે. આ કારણે હું તમને વિનંતી કરું છું કે, મને આ પદથી મુક્ત કરવામાં આવે. પ્રશાંત કિશોરે કહ્યું કે, મને આ પદ માટે પસંદ કરવા માટે તમારો આભાર. પ્રશાંત કિશોરે રાજીનામું એવા સમયે આપ્યું છે જ્યારે પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. આ વર્ષે માર્ચમાં અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને મુખ્ય સલાહકાર બનાવ્યા હતા. આની જાણકારી સીએમે ટ્વીટ કરીને આપી હતી. આમાં તેમણે લખ્યું હતું કે, પ્રશાંત કિશોરે મારા મુખ્ય સચિવ તરીકે જોઈન કર્યું છે. તેમની સાથે પંજાબના લોકોના સારા માટે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા પ્રશાંત કિશોર ઘણા જ એક્ટિવ જોવા મળ્યા હતા. તેમની કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ થઈ હતી. ત્યારબાદ કૉંગ્રેસની એક બેઠક થઈ, જેમાં રાહુલ અને પ્રશાંત કિશોરની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને પ્રશાંત કિશોરની કૉંગ્રેસમાં એન્ટ્રીની સંભાવનાઓ પર ચર્ચા કરી. આ બેઠક 22 જુલાઈના થઈ હતી, જેમાં કમલનાથ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, અજય માકન, કે.સી. વેણુગોપાલ, અંબિકા સોની જેવા મોટા નેતા સામેલ થયા હતા. બેઠકમાં જે નિષ્કર્ષ સામે આવ્યો હતો, તેના પ્રમાણે પી.કે.નું પાર્ટીમાં સામે આવવું ફાયદાકારક થઈ શકે છે, પરંતુ તેમનો રોલ નક્કી થવો જોઇએ. જેડીયુની સાથે જે રીતે પી.કે.ની સફર રહી તેને જોતા કૉંગ્રેસ પોતાના ત્યાં તેમના રોલને લઈને લાઇન ખેંચી શકે છે. બેઠકમાં સામેલ એક અન્ય નેતાએ કહ્યું હતું કે, “આ એ સમય છે જ્યારે નવા આઇડિયા, રણનીતિ લાવવી જોઇએ. જો પ્રશાંત કિશોરને પાર્ટીમાં લાવવામાં આવે છે તો કોઈ નુકસાન નહીં થાય. તેઓ કેવી રીતે આવશે તેના પર ચર્ચા કરી શકાય છે. કૉંગ્રેસની પાસે ઘણું ટેલેન્ટ છે, જો સારા માટે કંઈક બદલાવ થાય છે તો આપણે શીખવું જોઇએ.”

Author : Gujaratenews