અમદાવાદનું સૌથી મોટુ સાઈબર રેકેટ પકડાયું, સુખી સંપન્ન ઘરની મહિલાઓને સંતોષ આપી પ્લે બોય બની 10 લાખ રૂપિયા કમાવવાની ઓફરો આપતા બે ગઠિયા પકડાયા, 2525 લોકો પાસેથી 1.54 કરોડ પડાવ્યા

17-May-2021

અમદાવાદ  : ‘સુખી સંપન્ન ઘરની મહિલાઓ અને યુવતીઓને શારીરિક સંતોષ આપવા પ્લેબોય તરીકે જોડાઈને પાર્ટટાઈમ રૂપિયા કમાવ અને મહિને વર્ષ 10 લાખ કમાવ’ આવી ફસામણીની જાહેરાતો આપીને પૈસા પડાવતા બે ગઠિયા અમદાવાદથી પકડાયા છે. પોલીસે બંનેના ઘરે સર્ચ કરતાં 11 મોબાઈલ ફોન, 19 એટીએમ કાર્ડ અને 7 ડાયરી મળી આવી હતી. 7 ડાયરીમાં આ બંનેએ અત્યાર સુધીમાં 2525 લોકોને કઇ રીતે છેતરીને રૂ.1.54 કરોડ પડાવ્યાની માહિતી લખી હતી. પોલીસનું કહેવું છે કે, ગુજરાતના ઈતિહાસનું આ અત્યાર સુધીનું સૌથી મોટુ સાયબર ક્રાઈમનું રેકેટ છે, જેમાં 2525 લોકો ભોગ બન્યા છે અને છેતરપિંડીનો આંકડો રૂ.1.54 કરોડનો છે.
સાણંદમાં રહેતા પરેશ(25)(નામ બદલેલ છે)એ જૂન 2020માં પ્લેબોય તરીકેની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત ઓન લાઈન આઈકેન નામની ફ્રેન્ડશીપ કલબના નામથી આપી હતી. જેમાં મહિને રૂ.46 હજાર કમાણીનું લખ્યું હતું. જેથી પરેશે ફોન કરતા તેની પાસેથી જોઈનિંગ ફી પેટે રૂ.1000 અને ત્યારબાદ જુદા જુદા ચાર્જથી માંડીને હોટલના રૂમના ભાડા મળીને રૂ.45,500 પડાવી લીધા હતા. 
ત્યારબાદ તેને કાવ્યા નામની યુવતીનો નંબર આપીને, કાવ્યા તેને સેટેલાઈટ મળવા આવશે અને તે જેમ કહે તેમ તારે કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ પરેશને કાવ્યા સાથે ફોન પર વાત કરાવી હતી. જેના આધારે પરેશ કાવ્યાને મળવા ગયો પરંતુ કાવ્યા મળવા આવી જ નહીં તેનો ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયો હતો. આ અંગે પરેશે અમદાવાદ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઈન્ચાર્જ પીઆઈ સી.વી.નાયકે નંબરના આધારે તપાસ કરી હતી. જેના આધારે પોલીસે સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા (30) (ગણેશ જેનિસીસ, જગતપુર) અને રાહુલ મુકેશભાઈ બારિયા (જમાલપુર)ની ધરપકડ કરી હતી. જે વ્યક્તિ પૈસા ભરે તેને વાત કરાવવા મહિલા કોલર રાખતા હતા. બંનેએ કેટલી મહિલાઓ રાખી હતી અને કેટલો પગાર આપતા તે સહિતની માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે. ત્યારબાદ મહિલા કોલરની ધરપકડ કરાશે.

Author : Gujaratenews