મહુવા, જેસર, રાજુલા તેમજ તળાજામાં જલદી સહાય આપવા સુરતના પૂર્વ MLA જનકભાઈ બગદાણાએ સીએમને લેટર લખ્યો

20-May-2021

મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાએ લખેલો પત્ર

સુરત : વાવાઝોડાને કારણે મહુવા, જેસર, રાજુલા તેમજ તળાજામાં તબાહીને પગલે સુરતના પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી જલદીથી જલદી અસરગ્રસ્તોને સારુ વળતર આપવા રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં આફત ઉતરી આવી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી છે કે ખેડૂતોએ અતિશય પરિશ્રમ કરીને ઉજારેલાં બાગ-બગીચાઓ, લિંબુના છોડ, જામફળના છોડ, સીતાફળના છોડ, આંબાના છોડ અને ઝાડ પડી ભાંગ્યા છે. જેનાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. ખેત ઉત્પાદનમાં તૈયાર થયેલ પાક જેમકે ડુંગળી, મગફળી, ચણા, તલ, કેરી, કેળા જેવા પાકોને વાવાઝોડાનાં કારણે કરોડોનું નુકશાન પહોચેલ છે.

આ ઉપરાંત પી.જી.વી.સી.એલ. વિભાગના ઇલેક્ટ્રિકના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર તથા સબસ્ટેશનોને ભારે નુકસાન થયું છે. જેના કારણે અનેક ગામડાઓમાં ઇલેક્ટ્રીક પાવર સપ્લાય બંધ થયો છે. તે ઉપરાંત વિવિધ કંપનીઓના મોબાઇલના ટાવરોને નુકસાન થવાના કારણે મોબાઇલ નેટવર્ક બંધ થઈ ગયા છે.  ગામડાઓ બેહાલ બન્યા છે. જેની અસરગ્રસ્તોને જલદી સહાય તથા સહાય મળે તેવી માંગ કરી છે.

 

મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાએ લખેલો પત્ર
પ્રતિ, આદરણીયશ્રી, વિજયભાઇ રૂપાણી સાહેબ,
માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય.

વિષયઃ- તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં મહુવા-જેસર, રાજુલા તથા તળાજા તાલુકામાં થયેલ ભારે તારાજી અંગે સહાય કરવા બાબત

નમસ્કાર, આપશ્રીને વંદેમાતરમ્ સાથ જણાવવાનુ કે ગત તા.૧૭ અને ૧૮નાં રોજ સૌરાષ્ટ્રના દરીયા કિનારે આવેલ તાઉ-તે વાવાઝોડાનો મુખ્ય ભાગ એટલે કે જેને વાવાઝોડાની આંખ કહી શકાય, તે ભાગ ૨૦૦ કિ.મી. ઉપરાંતની ઝડપ તથા અતિ ભારે વરસાદનાં કારણે સૌરાષ્ટ્રના દરીયા કાઠાંનાં જે તાલુકાઓ છે, તેમાં ખાસ કરીને અમારા વતન બગદાણાની આસપાસના તાલુકાઓ મહુવા, જેસર, રાજુલા તેમજ તળાજા આ પંથકમાં ખેડૂતોને, શ્રમીકોને તેમજ કામદાર પરિવારોને અનેક રીતે અતિશય નુકશાન પહોચ્યું છે. આ વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા માનવીઓ, પશુઓ તથા પક્ષીઓ અને તમામ મૃતક જીવોના આત્માને ભગવાન શાંતિ આપે, તેમના આત્માનું કલ્યાણ કરે, તેવી સહહૃદય પ્રાર્થના કરૂ છું.

ગામડાનાં નળીયાવાળા તેમજ પતરાં, છાપરાં અને તાડપત્રીની છત વાળા તમામ મકાનોને ખુબજ નુકશાન પહોંચ્યું છે, તથા કાચી માટીના મકાનો ખુબ મોટી સંખ્યામાં ધરાશયી થયા છે. ખેડૂતોને ખેતી વિધેયક નુકશાન પણ ખુબ બહોળા પ્રમાણમાં થયું છે, જેવું કે છેલ્લા દસ-પંદર વર્ષથી ખેડૂતોએ અતિશય પરિશ્રમ કરીને ઉજારેલાં બાગ-બગીચાઓ, લિંબુના છોડ, જામફળના છોડ, સીતાફળના છોડ, આંબાના છોડ અને ઝાડ પડી ભાંગ્યા છે. જેનાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. ખેત ઉત્પાદનમાં તૈયાર થયેલ પાક જેમકે ડુંગળી, મગફળી, ચણા, તલ, કેરી, કેળા જેવા પાકોને વાવાઝોડાનાં કારણે કરોડોનું નુકશાન પહોચેલ છે.

આ ઉપરાંત પી.જી.વી.સી.એલ. વિભાગના ઇલેક્ટ્રીના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર તથા સબસ્ટેશનોને ભારે નુકશાન થયલ છે. જેના કારણે અનેક ગામડાઓમાં ઇલેક્ટ્રીક પાવર સપ્લાય બંધ થયેલ છે. તે ઉપરાંત વિવિધ કંપનીઓના મોબાઇલના ટાવરોને નુકશાન થવાના કારણે મોબાઇલ નેટવર્ક બંધ થયેલ છે.

ઇલેકટ્રીક સપ્લાય બંધ થવાના કારણે સબમર્સીબલ મોટરો બંધ થયેલ છે. જેથી કરીને મનુષ્યોને તેમજ પાલતું પશુઓને પીવાના તથા વપરાશના પાણીની ગંભીર સમસ્યા ઉભી થયેલ છે. આ સિવાય મોટા વૃક્ષો તથા ઇલેક્ટ્રીક થાંભલાઓ રસ્તાપર આડા પડવાના કારણે રસ્તાઓ બંધ થયેલા છે. જેથી ગામડાઓ સંપર્ક વિહોણા થયેલ છે.

આ વાવાઝોડાના કારણે અમારાં મહુવા-જેસર વિસ્તારના ખેડુતોની કમર ભાંગી ગયેલ છે તેમ કહી શકાય. ભારતએ ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જગતનો તાત કહેવાય છે, જો ખેડુત સમૃધ્ધ થશે, તો દેશ સમૃધ્ધ થશે. ગુજરાત સરકાર દ્વારા ભૂતકાળમાં ગુજરાત રાજ્યપર આવેલ સંકટો જેવા કે ધરતીકંપ, પૂર અને વાવાઝોડાં વખતે રાજ્ય સરકાર તરફથી ખેડૂતો અને શ્રમિકોને અવાર-નવાર ખુબ મોટી સહાય કરવામાં આવેલ છે. આ વખતે પણ આ વાવાઝોડાંના કારણે જે કોઇ ખેડૂતો, શ્રમિકો તથા ગરીબ પરીવારોને જે કંઇપણ પ્રકારનું નુકશાન થયેલ છે, તે તમામ પરિવારોને સરકારશ્રી તરફથી જલ્દીમાં જલ્દી સર્વેની કામગીરી પૂર્ણ કરી, જલ્દીથી તમામ લોકોને ખુબ સાંરૂ વળ૨ મળે તેવી અમારી વિનંતી છે. સરકારશ્રી દ્વારા આ અંગેની કામગીરી જલદીથી પૂર્ણ કરી, તમામ અસર ગ્રસ્તોને યોગ્ય ન્યાય અને વળતર સહાય મળશે, તેવો અમોને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે. આ અંગે આપશ્રી ત્વરીત નિર્ણય લઇને યોગ્ય કરશોજી.

સહકારની અપેક્ષા સહ.

આભાર

 સહુનો
.- જનક એમ. કાછડિયા (બગદાણાવાળા) (પૂર્વ ધારાસભ્યશ્રી, ૧૬૨-કરંજ વિધાનસભા, સુરત, ગુજરાત

Author : Gujaratenews