મુંબઇ : સરકારે મૂકેલા કડક લોકડાઉનને પગલે કોરોનાને કાબૂ કરવાનું શક્ય બની રહ્યું છે. દરદીઓની સંખ્યામાં ઘટાડો અને દરદી સાજા થવાના પ્રમાણમાં ધરખમ વધારો થયો છે. માત્ર મૃતકોની સંખ્યામાં ખાસ ઘટાડો નહીં નોંધાતા સરકાર ચિંતામાં છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૨૯,૯૧૧ કેસ નોંધાયા હતા અને ૭૩૮ દરદીનો કોરોનાએ જીવ લીધો હતો. જ્યારે ૪૭૩૭૧ દરદી સાજા થતાં હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ હતી. અત્યાર સુધી રાજ્યમાં ૩,૮૩,૨૫૩ કોરોનાના એક્ટિવ કેસ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી નિયંત્રણમાં આવતી હોવાના ચિહ્ન દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ત્રણ કરોડ ૨૧ લાખ, ૫૪ હજાર ૨૭૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. એમાંથી કોરોનાગ્રસ્તોની સંખ્યા ૫૪,૯૭,૪૪૮ મળી આવી. એટલે કે તેઓ કોરોના પોઝિટિવ હતા. આમ રાજ્યમાં કોરોનાના દરદીનું પ્રમાણ ૧૭.૦૯ ટકા થયું છે. જ્યારે મરણાંકની સંખ્યા ૮૫૩૫૫ થઈ છે. એટલે કે મરણાંકનું પ્રમાણ ૧.૫ ટકા થયું છે. મહારાષ્ટ્રમાં આજ સુધી કોરોનાના ૫૦,૨૬૩૦૮ દરદી કોરોનાથી મુક્ત થયા છે અને રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૧.૪૩ ટકા થયું છે.મહારાષ્ટ્રમાં આજે ૨૯૩૫૪૦૯ દરદી હોમ ક્વોરન્ટીન છે. જ્યારે ૨૧૬૪૮ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.મુંબઈમાં ત્રણ દિવસ પહેલા કોરોનાના દરદીની સંખ્યા ત્રણ આંકડામાં આવી હતી. હવે ફરી સંખ્યા બે દિવસથી વધી રહી છે. આજે મુંબઈમાં કોરોનાના નવા ૧૪૨૫ કેસ નોંધાયા હતા અને ૫૯ દરદીએ પ્રાણ ગુમાવ્યા હતા. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૯૩૬૬૪ થઈ છે. અને મરણાંકની સંખ્યા વધીને ૧૪૪૬૮ થઈ છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મુંબઈમાં કોરોનાના નવા ૧૪૬૦ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના ૬૪૭૬૨૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. મુંબઈમાં કોરોનાના ૨૯૫૨૫ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024