આકાશી આફતથી મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 129ના મોત, હજુ મૃત્યુઆંક વધવાની આશંકા

24-Jul-2021

ચિપણમાં પૂરનું પાણી કોવિડ હોસ્પિટલમાં ઘુસ્યું, 8 દર્દીઓનાં મોત; રાયગઢ અને સતારામાં લેન્ડસ્લાઈડથી 49 લોકોએ જીવ ગુમાવ્યાઃ મૃતકોના પરિજનોને 7 લાખના વળતરની જાહેરાત

મહારાષ્ટ્રના રાયગઢ નજીક શુક્રવારે એક મોટો અકસ્માત થયો છે. સતારા અને રાયગઢના મહાડના(Mahad) તાલિએ ગામમાં ભૂસ્ખલનને કારણે 49 લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ ચૌધરીએ 32 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. પર્વત પરથી 35 મકાનો પર પથ્થર પડ્યો છે. એટલે કે, એક રીતે આખું ગામ નાશ પામ્યું છે. સ્થાનિક લોકોના મતે આ 35 મકાનોમાં દરેક મકાનમાં 3 થી 4 સભ્યો હોય છે, તેથી ઓછામાં ઓછા 80થી 90 લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.  મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯ લોકોના વરસાદી આફતથી મોત થયાના સમાચાર મળ્યા છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટ્વીટ કરીને મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરી છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ ઝડપથી સ્વસ્થ થાય તેમ જણાવતા કહ્યુ છે કે, ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 આપવાની જાહેરાત કરી છે.

ભારે વરસાદને કારણે મોટાભાગના લોકો તેમના ઘરે હતા. વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દારેકર અને ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે 40 થી 45 વધુ મૃતદેહોની આશંકા છે. આ ઘટનાને 2005 માં માલિનમાં થયેલા અકસ્માતથી વધુ ભયંકર ગણાવી રહી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રશાસનને સવારે 5.30 વાગ્યે માહિતી મળી. એનડીઆરએફની ટીમને ગઈકાલે જ જાણ કરવામાં આવી હતી. પરંતુ રાત્રે હેલિકોપ્ટર ઉડી શક્યું ન હતું. ટીવી 9 સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે અતિશય વરસાદને કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે.

રસ્તાઓ પર કાદવ અને કાટમાળને કારણે બચાવ ટીમને પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બચાવ ટીમ ટૂંક સમયમાં પહોંચી જશે. જણાવી દઈએ કે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે કે આજે અડધો દિવસ વીતી ગયો છે, હજી સુધી રાહત અને બચાવ કાર્ય શરૂ થયું નથી. સ્થાનિક લોકો કાટમાળ સાફ કરી રહ્યા છે.

દરમિયાન રાયગઢના જિલ્લાના વાલી મંત્રી અદિતિ તાત્કરે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાંસદ સુનીલ તત્કરે સ્થળ પર જવા રવાના થયા છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ ટીવી 9 મરાઠી સાથે ફોન પરની વાતચીતમાં અદિતિ તટકરેના જણાવ્યા મુજબ, એનડીઆરએફના 12 સભ્યોની ટીમ પહોંચી છે, 12 એમ્બ્યુલન્સ તબીબી સહાય સાથે પહોંચી છે.

ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે નદીઓ રત્નાગિરિ જિલ્લામાં જંગબુડી નદી ખતરાના નિશાનથી 2 મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે. જલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નંદીઓએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધું છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગૌ અને ઉલ્હાસ નદીઓ પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે.

Author : Gujaratenews