સરકારનો વિકાસ કાગળ પર, વરાછામાં સરકારી કોલેજ બજેટમાં મંજૂર થયાના બે વર્ષે પણ શરૂ ન કરાઇ, હવે કોરોના નડ્યો
07-Jul-2021
વરાછામાં પાર્ટી કોઇ પણ આવે સુવિધાઓ મેળવવી લોકોનો અધિકાર છે. તેમાય શિક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે. ત્યારે વરાછામાં સરકારી વિજ્ઞાન કોલેજ તેમજ એક્સટેન્શન સેન્ટર ફાળવવા સેનેટ મેમ્બર મનિષ કાપડિયા દ્વારા શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને રજૂઆત કરવામા આવી છે. છેલ્લા ઘણા સમયથી વરાછામાં સરકારી કોલેજનો મામલો માત્ર કાગળ પર જ રહ્યો છે. જમીન હકીકત કઇ જુદી છે.
વરાછાના વિદ્યાર્થીઓના પ્રશ્ને હંમેશ લડત આપતા સેનેટ મેમ્બર મનિષ કાપડિયા અને સાથી મિત્ર ગણપત ધામેલીયા સરકારી કોલેજના મુદ્દાને લઈને ફરી ગુજરાતના મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીના દરબારમાં પહોંચ્યા છે. ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવ એસ.જે.હૈદર સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી. રજૂઆત કરી છે કે વર્ષ 2019-20માં સુરતના વરાછામાં સરકારી કોલેજ શરૂ કરવા ગુજરાત સરકારના બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સમયસર વહીવટી મંજૂરી ન મળવાને કારણે કોલેજ શરૂ થઇ શકી નથી. ત્યારબાદ વર્ષ 2021 સુધીમાં કોરોનાનું કારણ આગળ ધરીને કોલેજ શરૂ કરવામાં આવી નથી. હાલની સ્થિતિ એવી છે કે વરાછાના વિદ્યાર્થીઓ માટે નજીકના વિસ્તારમાં સરકાર વિજ્ઞાન કોલેજ શરૂ કરી જરૂરી છે. જેથી ઘરની નજીક અભ્યાસ કરી શકે.
મનિષ કાપડિયાએ કયા કયા મુદ્દાઓ સામે રાખ્યા
1.સુરત એ એશિયાનું સૌથી ઝડપથી વિકસતુ શહેર છે. છેલ્લા ઘણા વર્ષોથી સુરતની વસ્તી બમણાથી પણ વધારે વધી છે અને વરાછા વિસ્તારમાં એક પણ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજ નથી
2. વરાછા, સુરતની મોટા ભાગની વસ્તીમાં નિમ્ન મધ્યમ વર્ગ તેમજ કારીગર વર્ગ વસવાટ કરે છે. જેઓની આર્થિક સ્થિતિ નબળી છે.
3. કોરોનાની વૈશ્વિક મહામારીમાં આર્થિક તકલીફને ધ્યાને લઈ સરકારી કોલેજ જો ચાલુ કરવામાં આવે તો વરાછા વિસ્તારના મોટાભાગના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવાની તક નજીકમાં મળી શકે તેમ છે
4. હાલની 12 વિજ્ઞાનપ્રવાહની સ્થિતિ જોતા ખુબ જ મોટુ પરિણામ આવે તેમ છે અને પરિણામ વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે તેમ છે.
5. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન વિવિધ કોલેજો અને ડિપાર્ટમન્ટમાં ભણતા કુલ વિદ્યાર્થીઓના 40 ટકા વિદ્યાર્થીઓ ફક્ત વરાછા વિસ્તારના છે.
આ માંગણીઓને લઈને વરાછામાં સરકારી વિજ્ઞાન કોલેજ તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી છે. ઉપરાંત રજૂઆતમાં મહત્વની વાત કરી છે કે જો આ વર્ષે કોલેજ શરૂ ન થાય તો અન્ય સરકારી કોલેજનું એક્સટેન્શન સેન્ટર વરાછા ખાતે શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે. જેથી ચાલુ વર્ષથી વિદ્યાર્થીઓની માગણી પુરી થઈ શકે.
20-Aug-2024