માર્ચમાં સુરતમાંથી હીરાની નિકાસ 6300 કરોડને પાર, મુંબઇના લોકડાઉને સુરતને ફાયદો કરાવ્યો

21-May-2021

  • મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ વકરતા સરકારે 1 જૂન સુધી લોકડાઉન લંબાવ્યુ છે. જોકે ડાયમંડ એક્સપોર્ટને વધારવા છૂટ આપવામાં આવી છે. તેમ છતાં મહારાષ્ટ્રમાં હીરા ઉધોગમાં પ્રોડક્શનમાં લોકડાઉનની અસર પડી છે. ત્યારે ડાયમંડનું હબ ગણાતા સુરતમાંથી ડાયમંડના નિકાસનું પ્રમાણ વધ્યું છે.

સુરત અને ડાયમંડ એક્સપોર્ટ

વિદેશોમાં ડાયમંડની ડિમાન્ડ નીકળતા કોરોનાકાળમાં પણ સુરતથી થતા હીરાના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9600 કરોડના નેચરલ ડાયમંડની નિકાસ થઈ છે. નાણાકીય વર્ષના છેલ્લા મહિના માર્ચમાં રેકોર્ડ બ્રેક થયો છે. માર્ચ 2021માં જ 6 હજાર કરોડના કુદરતી હીરા નિકાસ થયા છે.

એક બાજુ મુંબઈમાં લોકડાઉન વધ્યું છે તો બીજી તરફ ગુજરાતમાં પણ રાત્રી કરફ્યુનો સમય લંબાવવાની સાથે ટ્રેડિંગ પર નિયંત્રણ મૂક્યું છે. આમ છતાં સુરતથી ડાયમંડની નિકાસ વધી છે. ડાયમંડની કેટલીક કંપનિઓ મુંબઈથી સુરત સ્થળાંતર કરી  રહી છે. આ તમામ સંજોગો વચ્ચે સુરતથી ડાયમંડની નિકાસ પણ ઉત્તરોત્તર વધી છે.

નોંધનીય છે કે , સુરતથી એકમાત્ર માર્ચ મહિનામાં નેચરલ પોલિશડ ડાયમંડનું એક્સપોર્ટ 5948 કરોડનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે સિન્થેટિક ડાયમંડનું 388.14 કરોડનું એક્સપોર્ટ સુરતથી નોંધાયું છે.

મુંબઈમાં લોકડાઉન સુરતને ફળ્યું છે. અને તેના કારણે હીરાની નિકાસમાં વધારો થયો છે. આમ પણ હવે સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થઈ રહ્યું હોય વેપારીઓ હીરાના બિઝનેસ માટે હવે મુંબઈના વિકલ્પ તરીકે સુરતને સૌથી વધારે પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર સુરતના હીરા ઉદ્યોગને પડી હતી. ત્યારે વિદેશમાં ડાયમંડની નિકાસ નીકળતા હીરા ઉદ્યોગમાં રાહત થઇ છે.

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ સુરત બનશે

નોંધનીય છે કે, વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ સુરત બનશે જેમાં આવેલ 4500 ઓફિસમાં 65 હજાર લોકો એક છત નીચે કામ કરશે. સુરતનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ ‘ડાયમંડ બુર્સ’ દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશે. સુરતના આ હીરા બુર્સમાં ડાયરેક્ટલી 65 હજાર લોકો કામ કરી શકશે. જ્યારે એક અંદાજ પ્રમાણે બુર્સ બન્યા બાદ દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

બુર્સ બન્યા પછી સુરતમાં વિદેશમાંથી હજારો લોકોની અવરજવર વધી જશે. મુંબઈની ડાયમંડ કંપનીઓ સુરતમાં પણ પોતાની ઓફિસ શરૂ કરશે. જેના કારણે સુરતમાં રિયલ એસ્ટેટ, હોટલ ઈન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી, એફએમસીજી, એવિએશન અને બિઝનેસ ટુરિઝમને બુસ્ટ મળશે.

એક અંદાજ મુજબ બુર્સને કારણે 175 દેશોના લોકો સુરતમાં આવશે. 2.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપર્ટ નિર્માણ પામી રહેલા ડાયમંડ બુર્સને કારણે થશે, જે હાલ 1.50 લાખ કરોડની આસપાસ છે.

Author : Gujaratenews