વિતેલા કેલેન્ડર વર્ષ 2021ના ચોથા ક્વાર્ટરમાં ડીબિયર્સએ રફ ઉત્પાદનમાં 15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.જ્યારે વર્ષ 2021 દરમિયાન રફ હીરાની વાર્ષિક કોન્સોલિડેટેડ એવરેજ રિયલાઇઝ્ડ વેંચાણ કીંમત પ્રતિ કેરેટ 133 અમેરીકી ડોલર થી વધીને 146 અમેરીકી ડોલરને આંબી ગઈ છે.
ડીબીયર્સેના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે મજબૂત માંગ વચ્ચે ચોથા ક્વાર્ટરમાં રફ હીરાના ઉત્પાદનમાં 15 ટકાની વૃદ્ધિ કરવામાં સફળતા મળી છે. રફ હીરાના પુરવઠાની તંગી વચ્ચે હીરા ઉદ્યોગ માટે આ એક રાહત આપનારા સમાચાર છે. વધુમાં વિશ્વની અન્ય કેટલીક રફ કંપનીઓ દ્વારા પણ ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી ખાણ વિસ્તરણની કામગીરી સધન બનાવવામાં આવી છે.વિશ્વની અનેક ખાણ કંપનીઓની આ કવાયતના પગલે રફ ઉત્પાદનમાં વધારો કરવામાં મહદ અંશે સફળતા પણ મળી છે.
વિશ્વની અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબીયર્સેના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે વિતેલા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિશ્વની વિવિધ ખાણોમાથી રફ હીરાનું કુલ ઉત્પાદન 7.69 મિલિયન કેરેટ થયુ છે.જે 2020ના સમાન ગાળામાં 6.66 મિલિયન કેરેટ હતુ.આ ઉપરાંત વિતેલા સમગ્ર વર્ષ 2021 દરમિયાન કુલ રફ ઉત્પાદન 32.38 મિલિયન કેરેટ થયુ હતું.જે 2020માં 25.10 મિલિયન કેરેટ હતુ. આમ વર્ષ 2020 ની તુલનાએ ગત વર્ષે વાર્ષિક રફ ઉત્પાદનમાં 29 ટકાનો વધારો થયો છે.
ડીબિયર્સની પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકનના પ્રવક્તાએ કહ્યુ કે બોત્સ્વાનામાં આવેલી જ્વાનેંગ ખાણમાંથી ઉચ્ચ ગ્રેડ ઓરના કારણે રફ ઉત્પાદન વધારવામાં મદદ મળી છે.આ ઉપરાંત નામીબીઆમાં નવી ટેકનોલોજીના દ્વારા ખાસ જહાજની મદદથી સમુદ્રમાથી હીરા શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમા પણ સફળતા મળી છે.હવે કેલેન્ડર વર્ષ 2022માં 30 થી 33 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન મળવાની તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે.
એક તરફ બજારમાં રફ હીરાના પુરવઠાની તંગી છે,તો બીજી તરફ અમેરીકા સહીતના વિશ્વના દેશોમાં હીરા ઝવેરાતની માંગ અને કીંમતોમાં જંગી વૃદ્ધિ થઈ છે.જેના પગલે રફ હીરાનું વેંચાણ અને માંગ વધી છે.વિતેલા વર્ષ 2021 માં રફ હીરાનું વેચાણ 12 ટકા વધીને 7.7 મિલિયન કેરેટ થયુ છે.ડી બીયર્સેએ ગત વર્ષમાં રફ હીરાની કીંમતોમાં અનેક વખત વધારો કર્યો છે.
જાન્યુઆરી-2022 માં રફ હીરાની કીંમતમાં સરેરાશ 20 ટકા જેટલો વધારો થયો છે.વર્ષ 2021માં રફ હીરાની વાર્ષિક કોન્સોલિડેટેડ એવરેજ રિયલાઇઝ્ડ વેંચાણ કીંમત પ્રતિ કેરેટ 133 અમેરીકી ડોલરથી વધીને 146 અમેરીકી ડોલરને આંબી ગઈ છે.
20-Aug-2024