પરિવારના પાંચ સભ્યોને કોરોનામાં ખોયા, 108ના પાયલોટ માત્ર 10 દિવસમાં લોકોને બચાવવા આવ્યા

11-May-2021

પરિવારના પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા છતાં 108ની ટીમના પાયલોટ પ્રવિણ બારીયા ફરજ ઉપર હાજર થયા, કોરોના કાળ વચ્ચે 108ના આ પાયલોટએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું

માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ

 

ગોધરા, પંચમહાલ : વાત ગોધરા ખાતેની ઈમરજન્સી સેવા 108માં એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયા (Pravin Bariya, 108 pilot)ની છે. મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે, અને છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં ફરજ બજાવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના સતત સેવા આપી રહ્યા છે.

કોરોના મહામારીના આ કાળમાં અનેક લોકો દ્વારા સેવાઓ તેમજ દાતાઓએ પોતાની યથા શક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યા છે, જ્યારે કેટલીક સેવાકીય સંસ્થાઓ, હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પરમાંથી લોકોને ઉગારવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાત-જાત-પાત ધર્મ કોઈ પણ ભેદભાવ વગર માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉમદા હેતુ સાથે અનેક દાતાઓએ મદદના હાથ લંબાવ્યા છે .છેલ્લા સવા વર્ષ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધા છે, અસંખ્ય લોકોએ આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે, તો લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે.

આ સમય દરમિયાન કેટલાક એવા કોરોના યોદ્ધાઓના કિસ્સા પણ સામે આવ્યા જેઓએ પોતાની તેમજ પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના સૌથી કપરી પરિસ્થિતિનો સામનો કરી એક ધારી સેવા આપી રહ્યા છે. જ્યારે આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવનારા આરોગ્યકર્મી તેમજ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવનાર પોલીસકર્મી સહીતના કોરોના યોદ્ધાઓને કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવ્યો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર દસ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર જોવા મળ્યા. ત્યારે આ તરફ થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પ્રવિણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા પિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી હતી. પિતાની જે હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી. દરમિયાન 21 એપ્રિલના રોજ પિતા સબુરભાઈ જેસીંગભાઈ બારીયા અવસાન પામ્યાં હતા. પ્રવીણભાઈએ આ દુઃખની ઘડી પાર નથી કરી ત્યાંજ 25 એપ્રિલના રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ માતા કમળાબેન તેમજ પ્રવીણભાઈના સગા કાકા કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં હતા. એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનને લઇ પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યો હતો. પોતાના પિતાની ચિંતા ઠન્ડી થઈ નથી ત્યાં જ કોરોનામાં મૃત્યુ પામેલ માતા અને સગા કાકા કાકી તેમજ કાકાના દીકરાને ચિંતાને મુખાગ્ની આપવાનો વારો આવ્યો હતો.

કોરોના મહામારીએ તેમના માતા પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તેં માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાના ફરજ ઉપર હાજર થયા છે. આમ પ્રવીણભાઈએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડ્યુ પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવાનો ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. જેને સોશિયલ મીડિયાએ પણ નોંધ લીધી છે.

Author : Gujaratenews