હાઈલાઈટ્સ:
ભારતમાં સતત બીજા દિવસે 4,000થી વધુ દર્દીઓના મોત
બે દિવસ બાદ ફરી કોરોનાના કેસ 3.5 લાખને પાર કરી ગયા
દૈનિક કોરોના સંક્રમણ અને મૃત્યુઆંકમાં ભારત પહેલા નંબરે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં બે દિવસ ઘટાડો નોંધાયા બાદ ત્રીજા દિવસે ભારતમાં 3.5 લાખથી વધારે કેસ નોંધાયા છે. હાલ દેશમાં બીજી લહેર ચાલી રહી છે અને તેમાં મૃત્યુઆંક અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. હાલ ભારતમાં દુનિયાના બાકી દેશો કરતા સૌથી વધારે દૈનિક સંક્રમિત કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો પણ પાછળ છૂટી રહ્યા છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં એક દિવસમાં નોંધાતા નવા કોરોના કેસની સામે દુનિયાના ઘણાં દેશના આંકડા નીચા નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 3,62,727 નવા કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,52,181 નોંધાઈ છે. જ્યારે વધુ 4,120 દર્દીઓએ એક દિવસમાં કોરોના સામે દમ તોડ્યો છે.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,37,03,665 થઈ ગઈ છે, જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 1,97,34,823 સાથે બે કરોડની નજીક પહોંચી ગઈ છે. ભારતમાં સતત બીજી દિવસે 4,000 કરતા વધુ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે જેની સાથે કુલ મૃત્યુઆંક 2,58,317 થઈ ગયો છે.
કોરોના સંક્રમણના લેટેસ્ટ ડેટા મુજબ, ભારત આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણ અને તેનાથી થનારા મોતના મામલે પહેલા નંબરે છે. કોરોના સંક્રમણથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ આ સમયે બીજા નંબર પર છે, જ્યાં પાછલા 24 કલાકમાં 25,200 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાક દરમિયાન અમેરિકામાં 22,261 કેસ નોંધાયા છે, જે ત્રીજા નંબર પર છે. આ પછી ફ્રાન્સ અને ઈરાનનો નંબર આવે છે જ્યાં 18,000 કરતા વધારે કેસ નોંધાયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે એક તરફ ભારતમાં સતત બીજા દિવસે મૃત્યુઆંક 4000ને પાર કરી રહ્યો છે જ્યારે દુનિયાના કોઈ અન્ય દેશમાં આ આંકડા એક હજારથી પાર નથી થઈ રહ્યા.ICMR (Indian Council of Medical Research) મુજબ ભારતમાં 12 મે સુધીમાં 30,94,48,585 કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે બુધવારે વધુ 18,64,594 સેમ્પલ લેવામાં આવ્યા છે.
 
                                             
                                    



 
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                 
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                            
31-Oct-2025