CM Rupaniનું ઉના, જાફરાબાદ અને રાજુલામાં નિરિક્ષણ, યુદ્ધનાં ધોરણે જનજીવન ધબકતુ કરવા સૂચના
20-May-2021
ઉના, જાફરાબાદ અને રાજુલાના તબાહ ગામડાઓની હવાઇમાર્ગેથી લેવાયેલી તસવીર.
ગઇકાલે PM મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ, આજે CM Rupani વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. CM રૂપાણી આજે વાવાઝોડાથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કરશે. સાથે જ આ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરી શકે છે. આ દરમિયાન CM રૂપાણી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપશે.
‘તાઉ તે’ વાવાઝોડાના લીધે જે વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યાં આજથી સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ જાહેરાત કરી છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સોશિયલ મીડિયા પરથી પ્રજાને સંબોધતી વેળા CM રૂપાણીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરી છે. 16 અને 17મી મે એ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આજ સાંજ સુધીમાં વીજ પુરવઠો હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા, મોબાઇલ ટાવર અને રસ્તાઓ જે પણ સેવાઓ અને ગતિવિધિઓ બંધ છે તમામ સેવાઓ પૂર્વવત થઇ જશે, તેવો CM રૂપાણીએ દાવો કર્યો છે.જણાવવું રહ્યું કે વાવાઝોડામાં મૃત્યુ પામનાર નાગરિકોના પરિવાર માટે કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી છે. મૃતકોના પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ બાદ હવે ગુજરાત સરકાર તરફથી પણ ચાર લાખની સહાય મળશે એટલે કે રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે.
આ ઉપરાંત વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર પણ 50 હજારની સહાય કરશે. કેન્દ્ર સરકાર તરફથી 50 હજાર અને રાજ્ય સરકાર તરફથી 50 હજાર એમ વાવાઝોડાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને કુલ 1 લાખની સહાય મળશે.‘તાઉ તે’ વાવાઝોડાથી રાજ્યમાં સર્જાયેલી તારાજીની PM મોદીએ સમીક્ષા કર્યા બાદ કેન્દ્રએ ગુજરાતને તત્કાલ એક હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા નાગરિકના પરિવારને 2 લાખની તો ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સરકાર સહાય કરશે.
આ ઉપરાંત વાવાઝોડાના કારણે થયેલા નુકસાનના પુન:નિર્માણ માટે પણ કેન્દ્ર રાજ્ય સરકારની મદદ કરશે. કેન્દ્ર સરકાર આંતર-મંત્રીમંડળીય ટીમ ગુજરાતમાં મોકલશે, જે સમગ્ર રાજ્યના ભ્રમણ બાદ નુકસાનીની સમીક્ષા કરશે. મહત્વનું છે કે, વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા PM મોદીની CM રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મળી હતી જ્યાં વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ચર્ચા થઇ હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024