24મીએ મોદી સાથે ખીણના નેતાઓની બેઠક, કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્ય બનાવવા થિન્ક ટેન્ક કામે લાગી

20-Jun-2021

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ફરી એક વખત પલટો આવી શકે છે. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ જૂનના રોજ જમ્મુ કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓની એક મીટિંગ બોલાવી છે.

આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના અનેક નેતાઓ પણ સામેલ થઈ શકે છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાને લઈને ચર્ચા થાય તેવી સંભાવના છે.

ઓગષ્ટ ૨૦૧૯માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. આ ઘટનાના બે વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકીય ઘર્ષણનો અંત લાવવા કેન્દ્રની આ પ્રથમ મોટી પહેલ માનવામાં આવે છે. આ મીટિંગમાં જમ્મુ અને કાશ્મીર એમ બંને ક્ષેત્રના નેતાઓને બોલાવવામાં આવ્યાછે.

શુક્રવાર સુધીમાં જમ્મુ કાશ્મીરની ૯ રાજકીય પાર્ટીઓને મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ વડાપ્રધાન સાથેની મીટિંગમાં ૧૬ પાર્ટીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા છે.

Author : Gujaratenews