સુરત: વરાછામાં બોગસ પાસપોર્ટથી પાકિસ્તાન થઈ UK, કેનેડા મોકલનારો ઝડપાયો

14-Jul-2021

નકલી વિઝા-પાસપોર્ટમાં પકડાયેલા મોટા વરાછાના જાદવત ફળિયામાં રહેતા મોહંમદ ઇરફાન ઐયુબ ઈસ્માઈલ પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. આ મહિલા એજન્ટ હાલમાં દ.આફ્રિકામાં રહેતી હોવાની વાત સામે આવી છે. મોહંમદ ઈરફાનનો ભાઈ અને એક બહેન પણ દ. આફ્રિકામાં રહે છે. જેમાં ભાઈનું થોડા દિવસો પહેલા હાર્ટ એટેકમાં અવસાન થયું હતું.

ઇરફાનના અલગ અલગ વોટસએપ ગ્રુપ બનાવી એજન્ટો સાથે ચેટિંગ કરતો હતો તેમજ તે વોટસએપ કોલીંગથી વાત કરતો. એટીએસએ તેનો મોબાઇલ કબજે લીધો છે. મોબાઇલમાં પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે ચેટિંગ કરતો હોવાના પુરાવા હાથ લાગ્યા છે. એટીએસે તેના 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. ઈરફાન 3 માસ પહેલા પણ અમરોલી પોલીસમાં ચીટીંગના ગુનામાં પકડાયો હતો. જેમાં કેનેડા મોકલવાના નામે લાખોની રકમ પડાવી હતી.

સુરતના ગેંગરેપ કેસ સંદર્ભે એટીએસ ઈરફાનની પૂછપરછ કરે તેવી શક્યતા
સુરતમાં વર્ષ 2009માં વિદ્યાર્થિની ગેંગરેપની ચકચારિત કેસમાં રિટાયર પીઆઈ પુત્ર શાહિદ સૈયદ બાંગ્લાદેશ થઈ પાકિસ્તાન ભાગી ગયો હોવાની આશંકા લાગી રહી છે. જેમાં મોહંમદ ઇરફાનનો હાથ છે કે કેમ તે બાબતે પણ ગુજરાત એટીએસ તપાસ કરશે. ગેંગરેપનો આરોપી શાહિદ નિઝામુદ્દીન સૈયદને આજીવન કેદની સજા થઈ હતી. જેમાં તે 14-10-2015 પેરોલ પર 15 દિવસ માટે છુટ્ટયો હતો. પછી 29-10-2015થી તે ફરાર થયો હતો. હાલમાં આરોપી શાહિદ સૈયદ 68 મહિનાથી ફરાર છે. ઉપરાંત અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલા અકબર નામના બાંગ્લાદેશની હત્યા થઈ હતી. આ કેસમાં 4 હત્યારાઓ પૈકી 3 હત્યારાઓ બાંગ્લાદેશી પકડાયા હતા. આ કેસમાં અકબરની બાબતે મોહંમદ ઇરફાનની પૂછપરછ કરશે.

રિમાન્ડના મુદ્દા

આરોપીના મકાનમાંથી બીજાના નામના ત્રણ પાસપોર્ટ, 21 પાસપોર્ટની ઝેરોક્ષ અને 26ની વિઝાની નકલો મળી આવી છે, જે રાખવાનો હેતુ છે એ જાણવું છે.
પાસપોર્ટ - વિઝાની ઝેરોક્ષ શા માટે રાખવામાં આવી.
કોના-કોના બોગસ વિઝા તેમજ પાસપોર્ટ બનાવ્યાની તપાસ કરવાની છે.
સહિ-સિક્કા ક્યાં બનાવ્યા, કોણે-કોણે આરોપીને મદદ કરી હતી.
આરોપી સામે મહેસાણા, મુંબઇ, વડોદરા, સુરત, ભરૂચ માં ચિટિંગ અને ચેક બાઉન્સના કેસ છે.

આરોપી સોશિયલ મીડિયા પર લોકોને જણાવતો કે એરપોર્ટ પર તેનું સેટિંગ છે. પાકિસ્તાનથી પણ યુરોપ, સાઉથ અફ્રિકા, કેનેડા અને યુ.કે.માં લોકોને મોકલ્યા છે. અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં 7 ગુના નોંધાતાં 5 કેસમાં ધરપકડ થઈ હતી. તેના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે. એટીએસ તપાસ કરે છે કે તેના દેશદ્રોહી તત્ત્વો સાથે કનેક્શન છે કે નહીં.આરોપી ઇરફાને એક એડવર્ટાઈઝિંગ સાઇટ પર અશ્લીલ પોસ્ટ મૂકી લખ્યું કે જે મહિલા સ્વચ્છંદી હોય, દારૂ પીવાની ટેવ હોય, વિદેશોમાં તેની સાથે ફરી શકે, તેની સાથે શરીર સંબંધ બાંધી શકે એવી મહિલાને વિદેશ લઈ જવાનો, રહેવાનો,ખાવા-પીવાનો શોપિંગનો તમામ ખર્ચ પોતે ભોગવશે.

આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે સુરતની બે યુવતીને કોલકાતાથી બાંગ્લાદેશ લઈ જઈ ત્યાં એક મહિનો રાખી યુવતીના જન્મનો બોગસ દાખલો બનાવી દુબઈ અને ત્યાંથી કેનેડા મોકલવાનો હતો. એ પહેલાં જ આરોપી ઝડપાઈ ગયો હતો. બે યુવતીની પણ શોધખોળ ચાલુ છે.

Author : Gujaratenews