પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ફંડિંગ કરતું હતું, ધર્માંતરણના રેકેટમાં 100થી વધુ લોકો સંડોવાયા હોવાની આશંકા, નોએડાની મૂક-બધિરોની શાળાનાં ૧૮ બાળકોનું પણ ધર્માંતરણ
લખનઉ: ઉત્તર પ્રદેશના નોએડા ખાતેથી ધર્માંતરણના એક રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં યુપી એટીએસ દ્વારા ૨ મૌલાનાઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ૨ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું હતું અને તેમાં મૂક-બધિર બાળકો અને મહિલાઓને ટાર્ગેટ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું. આ કેસમાં પોલીસને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ફન્ડિંગ કરતું હોવાના પણ પુરાવા મળ્યા છે. અત્યાર સુધીમાં ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમાં ૧૦૦ કરતા વધારે લોકો સામેલ હોવાની આશંકા છે.
યુપીના એડીજી પ્રશાંતકુમારે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ૩૫૦ લોકોને તૈયાર કરાયા છે. નોએડા ખાતે આવેલી મૂક-બધિરો માટેની એક શાળાના ૧૮ બાળકોનું પણ ધર્માંતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧,૦૦૦ કરતા પણ વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ આખું રેકેટ છેલ્લા ૨ વર્ષોથી ચાલી રહ્યું હતું. પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે આ કેસમાં વિદેશી ફન્ડિંગ (પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ)ના પુરાવા પણ મળ્યા છે. વધુમાં તેમના કહેવા પ્રમાણે લોકોને ડરાવી-ધમકાવીને અને લાલચ આપીને ધર્માંતરણ કરાવાતું હતું.
પકડાઈ ગયેલા આરોપી મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર કાસમી દિલ્હીના જામિયા નગર વિસ્તારના રહેવાસી છે. તેમના ઉપર માત્ર યુપી જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. એટીએસ દ્વારા આ કેસમાં યુપીના ગોમતી નગર થાણામાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે જેમાં જામિયા નગર સ્થિત આઈડીસી ઈસ્લામિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ નોંધાયું છે. જાણવા મળ્યા મુજબ યુપી એટીએસ ૪ દિવસથી આ બંને મૌલાનાઓની પુછપરછ કરી રહી છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે, મોહમ્મદ ઉમર ગૌતમ પણ હિંદુમાંથી મુસ્લિમમાં કન્વર્ટ થયો હતો.
એફઆઈઆર પ્રમાણે આ લોકો બિનમુસ્લિમનો ડરાવી-ધમકાવીને, તેમને નોકરી અને પૈસાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા હતા. તે લોકો સામાન્ય રીતે કમજોર વર્ગો, બાળકો, મહિલાઓ અને મૂક બધિરોને ટાર્ગેટ કરીને તેમને ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા. એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે, આ લોકો ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા અને અત્યાર સુધીમાં ૧,૦૦૦ કરતા વધારે હિંદુઓનું ધર્માંતરણ કરાવી ચુક્યા છે. તેઓ મોટા ભાગે મૂકબધિર અને મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાવતા હતા. એટલું જ નહીં, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, નોએડા ખાતેની મૂકબધિર શાળાના દોઢ ડઝન બાળકોનું પણ ધર્મ પરિવર્તન કરાવી ચુક્યા છે. આ બંનેના નામ રામપુર સાથે સંકળાયેલા ધર્માંતરણના કેસમાં પણ સામે આવી રહ્યું છે. હાલ આ બંને મૌલાનાઓની ધરપકડ કરીને જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે. તેમને ફન્ડિંગ ક્યાંથી મળતું હતું, તેમનો ઉદ્દેશ્ય શું હતો આ તમામ સવાલોનો જવાબ પુછવામાં આવી રહ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024