Ahmedabad : ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષ થવા પાછળ સૌથી મહત્વના એવા અમદાવાદ મહાનગરના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની પ્રથમ સંકલન બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અત્યાર સુધીની પરંપરાઓને બાજુએ મુકીને સીધી કાર્યકરોના મનની વાતો રજૂ કરી હતી. પાટીલે સંગઠન અને ચૂંટાયેલી પાંખ બન્નેને પોતાની શૈલીમાં કડપ સાથે કેટલાક મહત્વના સૂચનો કરી તેનું પાલન શરૂ કરવા જણાવ્યું હતું.
લાંબા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે થતા સંઘર્ષના બનાવોને ગંભીરતાથી લઇ પાટીલે સહ કોષાધ્યક્ષ અને કોર્પોરેશનની કામગીરી પર દેખરેખ રાખતા ધર્મેન્દ્ર શાહને ઉદ્દેશીને કહ્યું કે, ‘મ્યુનિસિપલ કમિશનરની કામો મંજૂર કરવાની આર્થિક સત્તાને ઘટાડી દેવા માટે મેં તમને ક્યારનુંયે કહ્યું હતું. હજુ સુધી કેમ નથી થયું ?!’ તેમણે સુરતનો દાખલો આપીને કહ્યું કે, ‘અમે સુરતમાં આ પ્રયોગ ક્યારને અમલી બનાવ્યો છે એટલે કોઇ ઘર્ષણ થતું નથી.’
આ સાથે તેમણે ચૂંટાયેલી પાંખને ઉદ્દેશીને કહ્યું કે, ‘તમે સાચા, પ્રજાના કામો માટે ચૂંટાયેલા છો ત્યારે તમારે અધિકારીઓ સમક્ષ કગરવાની જરૂર શા માટે પડે છે ?. આ અધિકારીઓ તમે કોઇ એવા કામો લઇને જશો તો તમને નહીં ગાંઠે, એ કોઇના હોતા નથી. આજે તમારામાંથી કેટલાય સત્તામાં નથી તો એ અધિકારીઓ તમારો ફોન પણ નહીં ઉપાડે !. એટલે આપણે અધિકારીઓ સાથે એક મર્યાદા રાખીને એમને સીધું જ જે કામ છે એ કરવાની સૂચના આપવી જોઇએ.’
‘મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષનો નેતા મજબૂત હશે તો તમારા કોઇ જનહિતના કામોમાં અધિકારી આડખીલી નહીં બને, એમ છતાંય કોઇ મુશ્કેલી ઊભી કરે તો મને કહેજો, હું મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી કે સંબંધિત મંત્રીને ધ્યાને મુકીશ.’ આ સાથે તેમણે સૌને જનતાની વાજબી ફરિયાદો, રજૂઆતો સાંભળવા, ફોન ઉપાડી વાત કરવા ખાસ સૂચન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, શહેરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક માં પ્રદેશ પ્રમુખ દ્વારાવિધાનસભાની ચૂંટણી કોને લડવી છે ? એવો સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તમામે હાથ ઊંચો કર્યો!
પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરો, ચૂંટાયેલી પાંખને કેટલાક મહત્વના સૂચનો કરવા સાથે કહ્યું કે, સૌ પાર્ટીમાં કામ કરતાં હોય એમને ચૂંટણીમાં ટિકિટ માગવાનો હક્ક છે. તો બોલો કોને વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા છે ? એમ કહેતાં જ ટાગોર હોલમાં બેઠેલાં તમામે હાથ ઊંચા કરી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સૌ કાર્યકરોએ પોતાના વોર્ડના બુથમાં કમિટીઓ બની છે કે નહીં. ન બની હોય તો જલ્દીથી એ કામ પૂરું કરવા સૂચન કરવા સાથે તેની તાજેતરની ચૂંટણીમાં પુરવાર થયેલી ઉપયોગિતાના ઉદાહરણો આપ્યા હતા.
તેમણે એવી વાત દહોરાવી હતી કે પેજ કમિટીના માધ્યમથી આપણે વિધાનસભાની તમામ બેઠકો જીતી શકીએ એમ છીએ. આ સાથે તેમણે શહેર પ્રમુખ અમિત શાહને મહાનગરની કારોબારીની બાકીની રચના ઝડપથી પૂરી કરવા સૂચના આપી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024