સુરતના કામરેજમાં 'આપ'નુ અભિયાન: સરકારી સ્કૂલ-હોસ્પિટલ શરૂ કરવા આપની સહી ઝુંબેશ, ઘરે-ઘરે જઇ લોકોના પ્રશ્નો જાણશે

02-Jun-2021

આમ આદમી પાર્ટી દ્વારા કામરેજ ચાર રસ્તાથી સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

સુરત:  સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટીના નેતાઓ સક્રિય થયા છે . પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને લોકો વચ્ચે જવાનો  પ્રયાસ श३ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ મુદ્દાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. કામરેજ તાલુકાની વસ્તી દિવસેને દિવસે વધી રહી છે તેની સામે પ્રાથમિક સુવિધા તેમજ અન્ય સુવિધાઓના અભાવને લઇને આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. સૌથી મહત્વના મુદ્દા તરીકે કામરેજ વિસ્તારમાં સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે .સુરત જિલ્લાના તાલુકાઓ પૈકી કામરેજ તાલુકાનો સમાવેશ થાય છે. અંદાજિત કામરેજ તાલુકામાં ૨.૫ લાખ કરતાં વધારે લોકો વસે છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ કામરેજ તાલુકામાં એક પણ મોટી સરકારી શાળા કે સરકારી હોસ્પિટલ આપવામાં આવી નથી. જેને લઇને લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે. કામરેજ તાલુકામાં સરકારી શાળા ન હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પણ પોતાના બાળકોને ખાનગી શાળામાં ડોનેશન આપીને ભણવાની ફરજ પડી રહી છે.આમ આદમી પાર્ટી દ્વારા કામરેજ ચાર રસ્તાથી સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વના મુદ્દા તરીકે તેમના વિસ્તારમાં સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા, કાર્યકર્તાઓ દ્વારા કામરેજ વિસ્તારના ઘરે ઘરે જઈને સહી ઝુંબેશ શરૂ કરી છે. સમગ્ર તાલુકાની અંદર લોકોના પ્રશ્નોને વાચા આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Author : Gujaratenews