ગોપાલ ઇટાળિયાના ઘરે હોબાળો મચાવનાર હિન્દૂ યુવા વાહીનીના 2 યુવાનોની ધરપકડ, ભગવત ગીતા મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે દિલ્હીથી ટ્વીટ કર્યું, ગુજરાતમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન, લોકોને ગંદી રાજનીતિ પસંદ નથી

04-Jul-2021

તસવીર: હિન્દુ વાહીનીના ધરપકડ કરાયેલા બંને યુવાનોનો સીઆર પાટિલ સાથે અગાઉનો ફોટો. 

સુરત : આમ આદમી પાર્ટી ( Aam Adami Party Gujarat ) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા( Gopal Italia )ના હિંદુ માન્યતાઓ વિરોધી નિવેદનથી ભાજપ સમર્થિત હિન્દુ સંગઠન ( Hindu Yuva Vahini ) ના યુવાઓએ ઇટાલીયાના ઘરે જઈ હોબાળો મચાવ્યો હોવાનો આક્ષેપ ઇટાલીયા દ્વારા કરાયો છે. બીજી બાજુ હિન્દુ સંગઠનના યુવાનોએ જણાવ્યું છે કે, અમે ઇટાલીયાના ઘરે ભગવદ ગીતા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, તેમની ગેરહાજરીમાં તેમની માતા અને બહેન સામે આવો અશોભનીય વ્યવહાર અને ખોટી દલીલો કરવામાં આવી હતી.

હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા ઇટાલીયાના ઘરે અભદ્ર વર્તન : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા નિવાસસ્થાન પર ભાજપ સમર્થિત હિન્દુ સંગઠનના ચારેક યુવાનો પહોંચી ગયા હતા. ગોપાલ ઇટાલીયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ તમામ યુવાનો ભાજપ સમર્થિત છે અને ભગવદ ગીતા આપવાના બહાને ઘરે આવી મારી માતા અને બહેન સાથે જીભાજોડી કરી હતી. આ બાદ, સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માણસો છે. તેઓએ તેમની માતા અને બહેન સાથે અભદ્ર વર્તન પણ કર્યું છે.

આ યુવાનો હિન્દુ યુવા વાહિનીના સભ્યો : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ઘણા વર્ષો પહેલા ફેસબુક લાઈવ કરીને હિન્દુ માન્યતાઓને લઈને નિવેદન આપ્યું હતું, જે હાલ ચર્ચામાં છે. ગોપાલ ઇટાલીયાના ઘરે પહોંચેલા યુવાનોની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવાનો હિન્દુ યુવા વાહિનીના સભ્યો છે. અમિત અહીર અને વિકાસ આહીર નામના આ 2 યુવાનો છેલ્લા ઘણા સમયથી હિન્દુ સંગઠન સાથે જોડાયા છે.

અમને ખબર નહોતી કે આ ગોપાલ ઇટાલીયાનું ઘર છે: યુવાનો | વિકાસ આહિરે જણાવ્યું હતું કે, અમે માત્ર ભગવત ગીતા આપવા માટે ગોપાલ ઇટાલીયાના ઘરે ગયા હતા. પહેલા મંદિરમાં અમે પૂજા કરી અને ત્યારબાદ આ ભગવદ ગીતા લઈને નીકળ્યા, અમને ખબર નહોતી કે આ ગોપાલ ઇટાલીયાનું ઘર છે. અચાનક આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં દેવામાં આવ્યો હતો.

ભાજપ સમર્થકોને કોઈ કાયદો નડતો નથી : આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું છે કે, એક બાદ એક ભાજપ સમર્થકો આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુંડાગર્દી કરી રહ્યા છે. અમારા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ગેરહાજરીમાં ભાજપ સમર્થકો ઘરે પહોંચી ગયા અને ગોપાલ ઇટાલીયાની માતા તેમજ બહેન સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ ઉપરાંત, તેમની સામે અશોભનીય ભાષામાં ખોટી દલીલો પણ કરી હતી. સાથે કહ્યું હતું કે, ભાજપ સમર્થકોને કોઈ કાયદો નડતો નથી એવું લાગે છે.

Author : Gujaratenews