AAPના કોર્પોરેટર દ્વારા નવતર પ્રયોગ, બાંકડા પાછળ નહિ ખર્ચાય ગ્રાન્ટ

01-Jun-2021

સુરતમાં AAPના કોર્પોરેટર દ્વારા નવતર પ્રયોગ કર્યો છે, બાંકડા પાછળ હવે ગ્રાન્ટ નહિ ખર્ચાય. 

પહેલી વખત જ હશે જ્યારે વિપક્ષ દ્વારા લોકોના સૂચનો મંગાવીને ગ્રાન્ટનો (grant) ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 2021ની પાંચ લાખની ગ્રાન્ટ કોર્પોરેટરોને ફાળવવામાં આવી છે. ભાજપના 93 કોર્પોરેટરોએ 13 મેના રોજ તેમને મળેલી પાંચ લાખની ગ્રાન્ટ મળીને કુલ 4.5 કરોડ રૂપિયા કોરોના માટે આપી દીધા છે.

કોવિડ માટે અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી. પરંતુ હવે આ ગ્રાન્ટનો ઉપયોગ જનતાની મરજીને જાણીને જનતા માટે જ વાપરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના દરેક કોર્પોરેટરો દ્વારા આ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સોસાયટીના આંતરિક પાકા રસ્તા, ગટર લાઈન, પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક ફીટીંગ, સોસાયટીમાં સીસીટીવી કેમેરા તેમજ જો અન્ય કોઈ સૂચન હશે તો તેની જાણકારી લોકો પાસેથી મેળવવામાં આવશે. ગ્રાન્ટમાંથી બાંકડા નહિ મૂકી આપવામાં આવે તેવું પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે કે, આ પહેલા સૌથી વધારે ગ્રાન્ટ બાંકડા પાછળ જ વપરાતી હતી. જે બિનજરૂરી હતું. લોકોને જરૂર હોય તેવા કામો પાછળ કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ બહુ ઓછો થતો હતો. જેથી હવે લોકો માટે આ ગ્રાન્ટ વાપરવાનો નિર્ણય આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકામાં (SMC) માં પહેલીવાર વિપક્ષમાં બેસેલી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) એક નવો જ નુસખો અપનાવ્યો છે. કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ ફાલતુ ખર્ચ માટે નહીં, પરંતુ લોક ઉપયોગી કામ માટે થઈ શકે તેવો પ્રયાસ અપનાવવામાં આવ્યો છે.

કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે માટે જનતાની મરજી જાણવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. આ ફોર્મ દ્વારા બાંકડા માટેની ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.

Author : Gujaratenews