વિશ્વના આ ખૂણે નવા વર્ષની શાનદાર ઉજવણી શરૂ, ભવ્ય આતશબાજી સાથે કર્યુ વર્ષ 2022ને વેલકમ

31-Dec-2021

કોરોના મહામારીની વચ્ચે વિશ્વભરમાં 2021ને વિદાય આપવામાં આવી છે અને વર્ષ 2022ને આવકારવામાં આવ્યું છે. વિશ્વમાં સૌપ્રથમ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નવા વર્ષની શાનદાર ઉજવણી થઈ. બરોબર બાર વાગ્યાના ટકોરે કાઉન્ટડાઉન બાદ ઓકલેન્ડમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી. આ સાથે જ લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં ફટાકડા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. જોકે, કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટને કારણે આ વર્ષની ઉજવણી ઝાંખી પડી ગઈ છે. લોકડાઉન અને કોરોના વાયરસથી ત્રસ્ત વર્ષ 2021ને અલવિદા કહેવાની તૈયારી દુનિયાભરના લોકો કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ લોકોની નવા વર્ષની યોજનાઓમાં ઘણી અડચણો ઉભી થઇ હતી એટલા માટે આ વખતે લોકો ઓકલેન્ડમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ફટાકડાની મજા માણતા જોવા મળ્યા હતા.

ન્યુઝીલેન્ડ નવા વર્ષની ઉજવણી કરનાર પ્રથમ સ્થળોમાંનું એક છે. નવા વર્ષને ઓકલેન્ડમાં સ્કાય ટાવર અને હાર્બર બ્રિજ સહિત ઓછી લાઇટોથી આવકારવામાં આવ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડમાં ઓમીક્રોનનું ખાસ જોખમ નથી પરંતુ, હજુ પણ લોકોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. ઓકલેન્ડનો સ્કાય ટાવર નવા વર્ષની ઉજવણી દરમિયાન ચારેય તરફ રોશનીની ઝગમગાટ જોવા મળી હતી. આ ઉપરાંત હાર્બર બ્રિજ પણ રોશનીમાં ઝળહળેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકોએ ‘હેપ્પી ન્યૂ યર’ કહીને નવા વર્ષને આવકાર્યું હતું.

ન્યુઝીલેન્ડ કોરોનાને પરાસ્ત કરવામાં મોટાભાગે સફળ રહ્યું છે. અહીં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મૃત્યુઆંક પણ તદ્દન ઓછો છે. જોકે ઓમીક્રોન વેરિએન્ટ પણ અહીં ટકોરા મારી ચૂક્યું છે. ઓમીક્રોન વેરિએન્ટે વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીને ગ્રહણ લગાવ્યું છે. લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે, ઘણા દેશોમાં હાલ પ્રતિબંધો લાગી ચુક્યા છે. ઓમીક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

તો આ તરફ ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી. સિડનીમાં 2021ને વિદાય આપવા અને 2022ના વર્ષને વેલકમ કરવા માટે જોરદાર આતશબાજી કરવામાં આવી. આ આતશબાજીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સિડનીના ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ પર ભારે આતિશબાજી કરાઈ હતી. વિવિધ દેશોની સરકારોએ લોકોને કોરોના ગાઈડલાઈન હેઠળ નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરી છે.

Author : Gujaratenews