વરાછાની એપેક્સ સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો પણ માર્કશીટ અન્ય શાળાની આપી દેવાતાં ચકચાર
31-Oct-2021
બાળકને એપેક્સ સ્કૂલની એલસી, માર્કશીટ મળે કે વન્ડરફુલ શાળાની કોઈ ફરક પડતો નથી બંને શાળાઓ સરખી જ છે, આચાર્યના ઉદ્ધત જવાબ સામે શિક્ષણમંત્રી-કલેક્ટરને ફરિયાદ
સુરત: સુરત શહેર અને જિલ્લામાં જાણે બોગસ સ્કૂલોનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા 15 જેટલી બોગસ શાળાઓ બંધ કરાવ્યા બાદ હવે વરાછા વિસ્તારના એલ.એચ. રોડ ખાતે આવેલી એપેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીના પ્રવેશ બાદ તેમને વન્ડરફુલ સ્કૂલની માર્કશીટ આપવામાં આવી હોવાની ચોંકાવનારી બાબત સામે આવતા સમ્રગ મામલો શિક્ષણમંત્રી અને કલેકટરના દરબારમાં પહોંચ્યો છે. બનાવ અંગે વાલી વિપુલ જાનીએ લેખીત ફરિયાદ જણાવ્યું હતુ કે તેમણે તેમનાં દિકરાને સારૂ શિક્ષણ મળી રહે તે માટે વરાછા એલ. એચ. રોડની એપેક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 1માં પ્રવેશ મેળવ્યો હતો. અને આજ શાળામાં તેમનો પુત્ર ધો. 6 સુધી ભણયો હતો. અને ધો. 6માં 84 ટકા પરિણામ મેળવ્યું હતુ, જો કે આ દરમિયાન કોરોનાની મહામારીના કારણે તેમણે બાળકની સ્કૂલ બદલવાનું નક્કી કર્યું હતુ, જેને પગલે વિપુલભાઇ જયારે બાળકનું લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ લેવા માટે સ્કૂલે ગયા હતા, જયાં આચાર્યએ તેમને એપેક્સ સ્કૂલનું લિવીંગ સર્ટીફિકેટ આપવાના સ્થાને વન્ડરફૂલ સ્કૂલનું એલ.સી પકડાવી દીધુ હતુ. આ મુદ્દે વાલીએ અરજીમાં આક્ષેપ કરતા ઉમેર્યું હતુ કે જયારે તેમણે શાળાના આચાર્યને આ મુદ્દે પછ્યું તો તેમણે સ્પષ્ટ જણાવી દીધુ તુ કે એપેક્સ સ્કૂલને 1થી 5ની જ મંજૂરી મળી છે, જેથી તેઓ ધોરણ-6નાં વિદ્યાર્થીને માર્કશીટ અને એલ.સી આપી શકે નહી, પરતું બાળકને એપેક્સની માર્કશીટ કે પછી એલ.સી મળે કે વન્ડરફુલ સ્કૂલની તેનાથી કોઇ ફેર પડતો નથી. બંને શાળાઓએ એક સરખી જ છે. જો કે પોતાની સાથે છેતરપીડી થઇ હોવાની જાણ થતા વાલીએ આ મુદ્દે શિક્ષણમંત્રી, પોલીસ કમિશનર, કલેક્ટર અને ડીઇઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. વાલીએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે સુરત ડીઇઓને તેમણે એક બે નહીં પણ 6 વખત ફરિયાદ કરી હોવા છતા યોગ્ય ઉકેલ આવ્યો નથી. આ મુદ્દે શાળાનાં આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો.
વધુમાં જોવા જઇએ તો સુરત શહેર અને જિલ્લામાં તાજેતરમાં જ 15 જેટલી બોગસ સ્કૂલો બંધ કરાવવાની ફરજ પડી છે, એજ સિસ્ટમથી સુરતનાં વરાછા વિસ્તારમાં પણ શાળાઓ કાર્યરત છે કે નહીં તે શોધવું હવે ડીઇઓની ટીમ માટે પડકારરૂપ કાર્ય બન્યું છે.
ટ્યુશન ક્લાસીસ સાથે અનેક શાળાઓનું કોલેબરૅશન, વિદ્યાર્થીએ માત્ર ફી ભરવા જ જવાનું?
શહેરમાં નીટ, જેઇઇ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હવે ધોરણ 8 થી વિધાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવે છે. કોર્પોરેટ કલ્ચરમાં ચાલતા ટયુશન કલાસીસ દ્વારા સવારથી સાંજ સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે, જયારે આ વિદ્યાર્થીઓ ચોક્કસ કોલોબ્રેશન ધરાવતી શાળાઓમાં પ્રવેશ લેવાની ફરજ પાડવામાં આવે છે.આપ્રકારે શહેરમાં અનેક ડમી સ્કૂલ ચાલતી હોવા છતા સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામા આવતી ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024